કોડીનાર-વેરાવળમાંથી પકડાયો અજગર, બે દિવસમાં 2 અજગરનું કરાયું રેસ્ક્યુ
Live TV
-
છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના કોડીનાર પાસેથી બે અજગરના રેસ્ક્યુ કરાયાં છે. કોડીનારનાં છાંછર ગામેથી મહાકાય અજગર પકડાયો હતો. 14 ફૂટની લંબાઈ ધરાવતા અજગરનું દિલધડક રેસ્ક્યુ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અજગરે છાછર ગામે વાડી વિસ્તારમાં ભૂંડનો શિકાર કર્યો હતો. ભૂંડ(ડુક્કર)ને ગળી ગયા બાદ ખેડૂતની પાણીની પાઈપ લાઇનમાં ઘુસી ગયેલા અજગરનું 5 કલાકનાં દિલધડક રેસ્ક્યુ બાદ તેને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. જામવાળા વન વિભાગની રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ દરમ્યાન અજગરે આરોગેલા ભૂંડ(ડુક્કર)ને આખે આખુ બહાર કાઢ્યુ હતું. ભૂંડને બહાર કાઢયા બાદ અજગરને દબોચી લેવામાં આવ્યો હતો. યોગ્ય ચકાસણી બાદ આ અજગરને જામવાળાનાં જંગલમાં મુક્ત કરાશે.
બીજી તરફ વેરાવળ નજીક પણ ડારી ગામનાં વાડી વિસ્તારમાં પ્લાસ્ટિકની જાળમાં 12 ફૂટ લાંબો અજગર ફસાયો હતો. સ્નેક કેચર અને વન વિભાગે અજગરનું રેસ્ક્યૂ કરી બચાવી લીધો હતો. ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસમાં અજગરનાં રેસ્ક્યુનો બીજો બનાવ બન્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસા દરમિયાન વરસાદી માહોલમાં અજગરની ભૂખ ઉઘડે છે. જેને કારણે શિકારની શોધમાં અજગર ગમે તેવડા મોટા પશુ પક્ષી કે માનવીને પણ આખા ગળી જવાની ક્ષમતા ધરાવે છે.
