કોરોનાની સારવાર માટે વપરાતી અત્યંત જરૂરી દવાની કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની લાલ આંખ
Live TV
-
સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા નફાખોરીના કૌભાંડનો પર્દાફાશ
પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારા સાથે તેની સારવાર માટે ICMR ની માર્ગદર્શીકા મુજબ Moderate Condition માં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે. સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલીક શ્રીમતી ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર વેચાણ બિલ તથા છુટક દવાના પરવાના વગર મુળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ.૫૭,૦૦૦ વસુલીને દર્દીને વેચાણ કરી રહ્યા છે. જેને આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ૨ નંગ Actemra 400 mg નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે જે દવાની મહત્તમ વેચાણ કિંમત ૪૦,૫૪૫/- પ્રતિ નંગ છે.
મે. સાર્થક ફાર્માના માલીક શ્રીમતી ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દવાની ખરીદી તેમણે મે. ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ, સુરતના માલીક શ્રી મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ.૫૦,૦૦૦/- પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. શ્રી મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના શ્રી અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂ. ૪૫,૦૦૦/- પ્રતિ નંગ લેખે શ્રી ઘનશ્યામભાઇ વ્યાસ કે જેઓ અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
શ્રી અમિત મંછારામાની કે જેઓ મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા તેઓ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. શ્રી અમિતભાઈ ધ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રીક્સીપ્સન બનાવી તેમજ એક જ પ્રીક્સીપ્સનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. ’
આવા ઉપજાવી કાઢેલા પ્રીક્સીપ્સનનો વારંવાર એક જ દવા માટે દુરૂપયોગ કરી અગાઉ કેટલી ગેરરીતી કરવામાં આવી છે તે સહિતની તપાસ માટે આ દવાના મુળ સપ્લાયરની ઉંડાણપુર્વક તપાસ ચાલી રહી છે. આવી દવાના કાળા બજાર કરતાં તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી તેમને પકડી પાડવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી આવા કાળા બજાર કરનાર તત્વોમાં ખોફ પ્રવર્તી ગયો છે.Actemra 400 mg દવાની મુળ કિંમત કરતાં વધારે ભાવ લઈ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા જવાબદાર ઇસમો સામે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-૧૯૫૫ અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-૨૦૧૩ તથા સને ૧૯૪૦નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વ યેના નિયમોના ભંગ બદલ સધન તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં કસુરવાર વેપારીઓ સામે આકરા પગલા લેવાશે તેમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
