કોરોનાને પગલે નાયબ મુખ્યમંત્રીએ એસ.એસ.જી. હોસ્પિટલની મુલાકાત લીધી
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ કોરોના ના રોગચાળાના સંદર્ભમાં નિદાન અને સારવારની વ્યવસ્થાઓની વ્યાપક જાણકારી મેળવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી નીતિન પટેલે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કોરોના ના રોગચાળાના સંદર્ભમાં નિદાન અને સારવારની વ્યવસ્થાઓની વ્યાપક જાણકારી તેમણે મેળવી હતી. વડોદારની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે અધિકારીઓને લોકોના હિતમાં બિન અધિકૃત હોય એવી કોઈપણ વ્યક્તિ આઇસોલેશન વોર્ડમાં પ્રવેશે નહિ તેની કાળજી લેવાની તાકીદ કરી હતી. સાથોસાથ આ વોર્ડની ચારે તરફ સલામત અંતરે સુરક્ષા ઘેરો રાખવા અને વાડ રચવાની સૂચના આપી હતી.વડોદરામાં ૩ પોઝિટિવ કેસો નોંધાયા એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આ લોકોના નિકટ સંપર્કમાં આવ્યા હોય એવા લોકોની જાણકારી મેળવી અને તેમને શોધીને આરોગ્ય તપાસ તેમજ તેમને અન્ય લોકોથી સંપર્ક મુક્ત રાખવાની કાર્યવાહી તંત્ર કરી રહ્યું છે. તેમણે અનુરોધ કર્યો કે વડોદરા સહિત ગુજરાતના કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં કોઈપણ રીતે આવ્યા હોય ઍવા લોકો પોતાની અને પરિવારજનોની સુરક્ષા માટે સામે ચાલીને પ્રાથમિક તપાસ કરાવી લે અને સંપર્ક મુક્તિના નિયમનું પાલન કરે એ ઇચ્છનીય છે. વધુમાં રાજ્યના કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં કોઈપણ રીતે આવ્યા હોય ઍવા લોકો સ્વેચ્છા એ અને સામે ચાલીને પ્રાથમિક તપાસ કરાવી લેવાનું નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
