કોરોના સંક્રમણને રોકવા રાજ્યના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ
Live TV
-
કોરોના સંક્રમણને રોકવા રાજ્યના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં સુરતમાં આવેલું અને ભારતનું સૌથી મોટું કાપડ માર્કેટ'બોમ્બે બજાર' 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે. આગામી 20થી 25 જુલાઈ સુધી ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાના નિર્ણય બાદ હવે બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ આવતીકાલથી 26 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકોએ સ્વયંભૂ બપોરે બે વાગ્યે જ દુકાનો બંધ કરી સતર્કતા દાખવી છે. ઉપરાંત દિવનુ શાકમાર્કેટ 3 દિવસ તો રાજપીપલાનું શાક માર્કેટ 4 દિવસ બંધ રહેશે. અમરેલી શહેરમાં 20થી 25 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર અને ધ્રોલ નગરપાલિકામાં પણ 26 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 6 દિવસ માટે જનતા લોકડાઉન પાળવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત 23 જુલાઈ સુધી નગરની તમામ દુકાનો સંપૂર્ણ પણે બંધ રહેશે. જ્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.
