ખેડુતો માટે રાજ્ય સરકારે કિસાન સહાય યોજના કરી જાહેર
Live TV
-
ખેડૂતને 60 ટકાથી વધારે નુકસાન હશે, તો હેક્ટરદીઠ 25 હજારની સહાય, યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવાયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડુતોના હિતમાં કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળશે. યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યો છે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન હશે. તો 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ રાજ્યના નાના-મોટા, સીમંત બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે. આ સાથે આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓ પર નજર કરીએ તો, આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે. તેમજ ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સાથે મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે. તો લાભાર્થી ખેડુતોના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરાશે. આ ઉપરાંત ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
