ખેડૂતો અને પર્યાવરણને ઉપયોગી થવાના આશયથી કિસાન મિત્ર ક્લબની સ્થાપના કરવામાં આવી
Live TV
-
ખેડૂતો અને પર્યાવરણને ઉપયોગી થવાના આશયથી કિસાન મિત્ર ક્લબની સ્થાપના કરવામાં આવી છે. ક્લબ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે વૃક્ષ રથ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં જઈ ખેડૂતોને અને લોકોને જરૂરિયાત મુજબના વૃક્ષો વાવેતર કરવા માટે મફતમાં આપવામાં આવે છે. આ વર્ષે પણ આ વૃક્ષ રથનો પ્રારંભ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો વી.પી ચોવટીયા એ કરાવ્યો હતો. આ અગાઉ જૂનાગઢના એગ્રો ઇનપુટ ડીલર અને કૃષિ યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગના પ્રાધ્યાપક અને વડા સાથે મળીને તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કુલપતિશ્રી એ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતે વૃક્ષ વાવવું જરૂરી છે અને વાવવા કરતા તેનું જતન કરવું વધારે જરૂરી છે. જેમ આપણે બીજાએ વાવેલા વૃક્ષો નો લાભ લઈ રહ્યા છીએ એમ આવનારી પેઢીને પણ આનો લાભ મળી રહે. તેમણે ઉમેર્યું કે ગ્લોબલ વોર્મિંગ માંથી બચવાના ઉપાય માટે પણ વૃક્ષોનું વાવેતર વધારવું જરૂરી છે. ક્લબના અરવિંદ પટેલે જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષમાં ૪૫ હજારથી પણ વધારે વૃક્ષો વાવી ચૂક્યા છે. આ વર્ષે પણ વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.
