પાટણમાં આજે એક સાથે 8 કેસ પોઝિટિવ આવ્યાં, 7 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ
Live TV
-
પાટણમાં કોરોના વિસ્ફોટ થયો હોય એમ આજે એક સાથે 8 કેસ પોઝિટિવ આવ્યા, આઠે આઠ કેસ પાટણ શહેરના નોંધાતા શહેરમાં તેમજ જીલામાં ચિંતાનું મોજું ફરી વળ્યું. કોરોના રૂપી ડ્રેગન દિનપ્રતિદિન પાટણ જિલ્લાને પોતાના ભરડામાં લઈ રહ્યો હોય એમ કોરોનાની વણથંભી વણજાર અટકવાનું નામ લેતી નથી અને રોજેરોજ નવા કેસો સામે આવી રહ્યા છે,આજના કેસની વાત કરીએ તો 7 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટણ શહેરના જે વિસ્તારો કોરોના સંક્રમિત થયા તેમાં શહેરના ગિરધારી પાડો, ગોકુલધામ સોસાયટી, સુભાસચોક, માળીની ખડકી, ગોદડનો પાડો, પટોળાની શેરી, રાધે ગેલેક્ષી, અને દ્વારકા નગરી સોસાયટી કે જે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ નજીકનો વિસ્તાર છે તેનો સમાવેશ થાય છે, તંત્ર દ્વારા આ વિસ્તારોને ક્વોરન્ટાઇન અને સૅનેટાઈઝ કરવા માટે ટિમો મોકલી દેવાઈ છે.તો શહેરમાં આ 8 કેસ સાથે પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ આંક પહોંચ્યો 63 પર જ્યારે જિલામા કુલ કોરોના પોઝિટિવનો આંક પહોંચી ગયો છે 138 પર, જ્યારે 13 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે. તો 90 લોકો સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા છે. હજી 22 દર્દીઓ સારવાર હેઠળ છે તો 5 દર્દી આઇસોલેસન વોર્ડમાં છે ત્યારે બેકાબુ બનેલા કોરોનાને પગલે આરોગ્ય વિભાગ અને તંત્ર માટે પડકારરૂપ સ્થિતિનું નિર્માણ થયું છે.
