ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 ચેરિટી ભવનોનું ઈ-ખાતમૂહુર્ત કર્યું
Live TV
-
ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કુલ 22 કરોડના ખર્ચે નિર્માણ થનાર 8 ચેરિટી ભવનોનું વર્ચ્યુઅલી ઈ-ખાતમૂહુર્ત કર્યું હતું. આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે. મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.
આ પ્રસંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમા ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
