ગાંધીનગરમાં ગુજરાત NCCની 'એટ હોમ સેરેમની': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા કેડેટ્સનું કર્યું સન્માન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનું ગૌરવ વધારનારા NCC કેડેટ્સનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું. તેમણે NCCને એકતા અને અનુશાસન શીખવતી શ્રેષ્ઠ પાઠશાળા ગણાવી, 9 કેડેટ્સને ‘સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ’ આપ્યા અને NCC રાજકોટને ‘ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર’ એનાયત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના લોકભવન ખાતે આયોજિત ‘એટ હોમ સેરેમની’માં નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસની પરેડ માં ગુજરાતનું ગૌરવ વધારનારા NCC કેડેટ્સનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ NCCને એકતા અને અનુશાસન શીખવતી આદર્શ પાઠશાળા ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, NCC કેડેટ્સ માત્ર પરેડ ગ્રાઉન્ડ પૂરતા સીમિત નથી, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવા સામાજિક કાર્યોમાં પણ તેમની ભૂમિકા પ્રશંસનીય રહી છે.
કેડેટ્સને એવોર્ડ્સ અને ‘કેડેટ જર્નલ-2026’નું વિમોચન
સમારોહ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે 9 કેડેટ્સને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ’ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NCC રાજકોટને ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના કેડેટ્સની સિદ્ધિઓને વર્ણવતી ‘કેડેટ જર્નલ-2026’ નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના મંત્રને ચરિતાર્થ કરતી સંસ્થા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના વિઝનને NCC ખરા અર્થમાં સાકાર કરે છે. જ્યારે દેશના વિવિધ ખૂણેથી યુવાનો એકસાથે તાલીમ લે છે, ત્યારે રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબૂત બને છે. તેમણે ગૌરવ સાથે નોંધ્યું હતું કે દેશમાં NCC કેડેટ્સની સંખ્યા 14 લાખથી વધીને 20 લાખ થઈ છે, જે યુવાનોમાં વધતા રાષ્ટ્રપ્રેમ અને શિસ્તનો પુરાવો છે.
ગુજરાત NCCની સિદ્ધિઓ
મેજર જનરલ શ્રી બિમલ મોંગાએ રાજ્યમાં ચાલી રહેલી NCC પ્રવૃત્તિઓની વિગતો આપી હતી અને રાજ્ય સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીએ દિલ્હીથી પરત ફરેલી આ ટુકડીએ કર્તવ્ય પથ પર પરેડ, ગાર્ડ ઓફ ઓનર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અવસરે વિવિધ હેડક્વાર્ટરના ઉચ્ચ અધિકારીઓ અને કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
