મહાશિવરાત્રી મેળા દરમિયાન વન્યપ્રાણી અને પર્યાવરણના હિતોની જાળવણી કરવા વન વિભાગનો અનુરોધ
Live TV
-
જૂનાગઢના ભવનાથમાં તા.૧૧/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી મહાશિવરાત્રી મેળો યોજાનાર છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, આ મેળામાં રેવન્યુ વિસ્તારના ફરતે "ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય' નો વિસ્તાર આવેલ છે, જેમાં વન્યપ્રાણી અને પર્યાવરણ ના હિતોની જાળવણી તથા નિયમન કરવાની જરૂરીયાત જણાય છે, મહાશિવરાત્રી મેળાને સંલગ્ન સુવિધાઓ જેવી કે ઉતારા, દુકાનો વિગેરે મેળા વિસ્તારમાં ઉભી કરવાની હોય છે. ગુજરાત હાઇકોર્ટના પી.આઇ.એલ.ના દિશાનિર્દેશથી પ્લાસ્ટીકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે અન્વયેના વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના તા.૨૨/૦૫/૨૦૧૯ ના પરિપત્ર થી અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટીક ઉત્પાદનો, પેદાશ, ચીજવસ્તુઓ, પેકીંગ મટીરીયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા તથા ગમે ત્યાં ફેંકવા પર મનાઇ ફરમાવવામાં આવેલ હોય ઉલ્લંઘન થયે વન્યપ્રાણી અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ અનુસાર દંડ/સજાને પાત્ર ઠરશે. રેવન્યુ જમીનના ફરતે "ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય"નો વિસ્તાર આવેલ છે. આ જંગલ વિસ્તારને કે તેમાં રહેતા વન્યજીવોને નુકશાન કરવું નહી.
ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય" વિસ્તારમાં કોઇપણ ઇસમ પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહી અને ફાયર આર્મસ, બંદુક, કુહાડા, તલવાર, ધારીયા જેવા ઘાતક હથિયાર સાથે લઇ જઇ શકશે નહી. ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય" વિસ્તારમાં વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી, તંબુ, રેકડી કે સ્ટોલ રાખી શકશે નહી. ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય" વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ કરવો તે ગુન્હો બને છે. તેમ છતાં કોઇ ઇસમ તેમા પ્રવેશ કરીને વન પેદાશો કે ઝાડ પાનને કાપીને લઇ જશે અથવા તેને નુકશાન કરશે તો તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓને ખલેલ કરે તેવી કોઇ વધારે પ્રકાશવાળી યંત્ર સામગ્રી વધુ ઘોંઘાટ થાય તેવા ટેપ, રેડીયો, લાઉડ સ્પીકર, ટી.વી. વિગેરેનો ઉપયોગ કરી શકાશે નહી. ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં પરવાનગી વિના જઈ લાકડા કે ઘાંસ સળગાવી શકાશે નહી કે, સ્ફોટક પદાથો" કે ફટાકડા વિગેરે લઈ જઈ શકશે નહી. ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય" માં વન્ય પ્રાણીઓનો ભય રહેલ હોય કેડીઓ કે અન્ય જંગલ ભાગમાં વગર પરવાનગીએ અવર-જવર કરવા કે વાહન લઈ જવા પર સખ્ત પ્રતિબંધ છે. વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં.
"ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય" વિસ્તારમાં સિંહોનો વસવાટ હોય તથા મહાશિવરાત્રી મેળા વિસ્તારની આજુબાજુમાં સિંહોની અવર જવર રહેતી હોય કોઈપણ વ્યકિતઓએ આ વિસ્તારમાં સિંહોને છંછેડવા નહી તથા તેને નુકશાન થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવી નહી. તથા કોઈપણ વન્યપ્રાણીનો શિકાર કે નુકશાન કરવું નહી. જો તેમ કરવામાં આવશે. તો તેઓની સામે ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
વન્યપ્રાણીની રંજાડના બનાવ સબબની જાણ વન વિભાગની રાવટી ઉપર અથવા આ વિભાગ હેઠળના ઇગલ વાયરલેસ કેન્ટ્રોલ રૂમ, ઘાસવાડાના ફોન નં.: (૦૨૮૫) ૨૬૩૩૭૦૦, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુંગર દક્ષિણ રેન્જ, જૂનાગઢના મો. નં. ૭૫૬૭૩ ૦૬૧૬૪ તથા લાયઝન અધિકારી (મહાશિવરાત્રી મેળો-૨૦૨૫) અને મદદનીશ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ-જૂનાગઢના મો.નં. ૮૨૦૦૫ ૪૨૯૯૬ ઉપર સત્વરે સંપર્ક કરી શકાશે.
વનમાં આગ લાગે કે બીજી કોઈ અન્ય મુશ્કેલીઓનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સરકારી ફરજ બજાવતા તમામ ખાતાના કર્મચારીઓ/અધિકારીઓએ જરૂરી સાથે સહકાર આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત નિયમોના ભંગ કે ઉલ્લંધન કરનાર સામે ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ તથા તેને અંતર્ગત કલમો તેમજ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમ નાયબ વન સંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યુ છે.
