ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે ત્રિ-દિવસીય વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ-વિરાસતને ઉજાગર કરવા ત્રિ-દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના ૬ રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. યુનેસ્કો-આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા કેન્દ્ર સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને ઐતિહાસિક સંસ્કૃતિને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વયથી વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર તત્પર છે. દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગાવમાંથી પ્રેરણા લઇ ગુજરાતે પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ-સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. વડનગરમાં બનનારૂ આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ પ્રાચીન વૈભવ વારસાને વર્તમાન ટેક્નોલોજી સાથે નવિન ઢબે પ્રસ્તુત કરશે. કિર્તિતોરણ-શર્મિષ્ઠા તળાવ-બૌદ્ધવિહારો-મંદિરો-તાના રીરી સમાધિ વડનગરની ભવ્ય વિરાસતના વાહક છે.
ભારત સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે વડનગર એક પવિત્ર ધામ છે.
મંત્રી હર્ષ સંઘવી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત, ભારત અને વિવિધ દેશોમાંથી ભાગ લેવા આવેલા મહેમાનોને આવકારતાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડનગર જેવી અનેક પ્રાચીન-વિરાસતોએ ગુજરાતને ભારતમાં જ નહીં પણ ઐતિહાસિક-પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આગામી સમયમાં હજારો પ્રવાસીઓ ઐતિહાસિક નગર વડનગરની મુલાકાતે આવે તે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતની ધરતી પર પ્રથમવાર ત્રિ-દિવસીય વડનગર ઈન્ટરનેશલ કોન્ફરન્સનાં સફળ આયોજન બદલ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા સહિત સહભાગી થનાર તમામનો ગુજરાત સરકારવતી મંત્રી સંઘવીએ આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં વડનગરના અગ્રણી સોમા મોદી, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના વ્યાખ્યાતાઓ, ગુજરાત રાજ્ય અભિલેખાગારના તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ, વડનગરવાસીઓ સહિત ઇતિહાસ ક્ષેત્રે અભિરુચિ ધરાવતા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
