ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર ખાતે યોજાયેલાં 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે.
રાજ્યપાલે આ અવસરે જણાવ્યું હતું કે ભારતનું લોકતંત્ર સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વતંત્ર ભારતના મતદાર એવા નાગરિકો લોકતંત્ર પ્રત્યેની પોતાની જવાબદારી પ્રમાણિકપણે નિભાવે. રાજ્યપાલે યુવા મતદારોની વિશેષ જવાબદારી પ્રત્યે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, યુવા મતદારો માત્ર મતદાતા જ નહીં, મતદાન માટે લોકજાગૃતિના પ્રહરી બને.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, વિશ્વનું સમૃદ્ધ લોકતંત્ર ધરાવતા ભારત દેશમાં આગામી લોકસભાની ચૂંટણી વિશ્વના નાગરિકો માટે લોકતંત્રના મહાપર્વનો સંદેશો બની રહેશે.
રાષ્ટ્રીય મતદાતા દિવસને 95 કરોડ મતદાતાઓ માટે ગૌરવનો દિવસ અને સમગ્ર વિશ્વ માટે ભારતનો સંદેશ ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભારતની લોકશાહીના મહિમાગાન સમુ ‘હું ભારત છું’ ગીત પ્રસારિત કરવામાં આવ્યું હતું.
