ગુજરાતના બોટાદ ,મોરબી,પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન
Live TV
-
રાજયમાં ગત સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ભારે વરસાદના પગલે બોટાદ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જ્યારે મોરબી જિલ્લામાં શાળાઓમાં પાણી ભરાઈ જતાં પુસ્તકો, નોટબુકો, કોમ્પ્યુટર સહિતના સાધનોને નુકશાન પહોંચ્યું છે. જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલમાં પાનમ કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
(1) ખેતરોમાં પાણી ભરાયા
બરવાળામાં ત્રણ દિવસ પૂર્વે 15 ઈચ વરસાદ પડતાં કુંડલ ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કુંડલ ગામમાં 400 થી 500 વિઘામાં પાણી ભરાતા ખેડૂતોને એક વિઘે આશરે 10 થી 15 હજારનું વેઠવું પડે તેવું ખેડૂતોનું માનવું છે. સરકાર આ અંગે કોઈ સહાય અપાય અથવા વીમો અપાય તેવી માંગણી ખેડૂતો દ્વારા કરાઈ છે. આ મામલે ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતું કે, હાલ સર્વે શરૂ છે, સર્વે બાદ જ કેટલા વિસ્તારમાં નુકસાન છે તેની વિગત મળી શકશે.
(2) વરસાદથી મોરબીમાં શાળાઓને નુકશાન
મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ધૂળકોટ સહિત અનેક સરકારી શાળાઓના સંકુલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જો કે અનેક શાળા સંકુલોમાં પાણી ભરાઈ જતાં બાળકોએ શાળામાં મૂકી રાખેલા પુસ્તકો, નોટબુકો તેમજ શાળાના કોમ્પ્યુટરો, સીપીયૂ સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ હતી. જેના કારણે ભારે નુકશાન થવા પામ્યું હતું.(3) પંચમહાલ પાનમ કેનાલ ગાબડું
પંચમહાલ જિલ્લામાં બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો, જેને લઇને જિલ્લાના મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે, તો કેટલીક જગ્યાઓ પર રોડ રસ્તાના ધોવાણ પણ થયા છે. ત્યારે જિલ્લાના કાલોલ તાલુકાના જોડકા ગામ નજીકથી પસાર થતી પાનમ મુખ્ય કેનાલમાં ગાબડું પડયું હોવાની ઘટના સામે આવી છે. આ ગાબડું પડવાથી કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં વહી ગયું હતું, જેના લીધે આજુબાજુના ૧૦ જેટલા ખેતરોમાં ભારે નુકસાન થયું હતું, સદનસીબે નજીકમાં જ નદી આવેલી હોવાથી મોટું નુકશાન થતાં અટકી ગયું છે. આ અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ કેનાલની વહેલી તકે મરામત કામગીરી કરાવીને જે ખેડૂતોને નુકશાન થયું છે તેમને વળતર પણ ચૂકવવામાં આવે.
