ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોક મેળાનો આજથી પ્રારંભ
Live TV
-
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવે છે.
ગુજરાતના આ સુપ્રસિદ્ધ વૌઠા લોક મેળાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ કરશે. વૌઠાના લોકમેળા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. અને આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા
જોકે આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં, પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણાં પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. જોકે આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે. ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.
