ગુજરાતને સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવવા "નિર્મળ ગુજરાત 2.0" ના અસરકારક અમલ માટે 240 કરોડ રૂપિયાની ફાળવવણી કરાઈ.
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "નિર્મળ ગુજરાત 2.0" અંતર્ગત વિવિધ નવા આયામો માટે 240 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ જાગરૂકતા આવે અને ગુજરાત સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બને તેવા હેતુથી મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને સફાઈવેરા પ્રોત્સાહન અન્વયે વેરાની વસુલાતની ટકાવારીમાં વધારા માટે પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. “અ” અને “બ” વર્ગની નગરપાલિકાઓ દ્વારા વાર્ષિક સફાઈ વેરાની 70 થી 80 ટકાની વસુલાત સામે 50% પ્રોત્સાહક ગ્રાન્ટ, 81 થી 90 ટકાની વસુલાત સામે 100% પ્રોત્સાહક ગ્રાન્ટ અને 91 થી 100 ટકાની વસુલાત સામે 200% પ્રોત્સાહક ગ્રાન્ટ અપાશે. “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓમાં આવી પ્રોત્સાહક ગ્રાન્ટનું ધોરણ 60 થી 70 ટકા સુધીની વસુલાત માટે 50%, 71 થી 80 ટકા સુધીની વસુલાત માટે 100%, 81 થી 90 ટકા સુધીની વસુલાત માટે 200% અને 91 થી 100 ટકા સુધીની વસુલાત 300%નું રાખવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે જેટલી રકમનો સફાઈ વેરો ઉઘરાવવામાં આવે તેટલી જ રકમની સફાઈ વેરાની મેચીંગ ગ્રાન્ટ દરેક નગરપાલિકાઓને આપવામાં આવશે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે નિર્મળ ગુજરાત 2.0 ના અસરકારક અમલ માટે જાહેર કરાયેલ ઠરાવમાં મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના પ્રવેશ માટે મુખ્ય રસ્તાઓ તથા નગરના કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે પણ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાએ શહેરની હદ વિસ્તારથી 5 કિલોમીટર સુધીના અને નગરપાલિકાઓએ શહેરની હદથી 2 કિલોમીટર સુધીના રસ્તાઓની સઘન સફાઈ કરવાની રહેશે. એટલું જ નહીં, નગરમાં પ્રવેશ માટેના એપ્રોચ રોડની સફાઈ અને કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.
આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને જે આર્થિક સહાય આપવામાં આવશે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેક 2 કરોડ રૂપિયા, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રત્યેક 1.5 કરોડ રૂપિયા, “અ” વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને 1 કરોડ રૂપિયા, “બ” વર્ગની પ્રત્યેકને 75 લાખ રૂપિયા તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને પ્રત્યેકને 50 લાખ રૂપિયા એમ કુલ 111 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્વચ્છતા સંદર્ભમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય, સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાને લઈને નગરોની વસ્તીના આધારે "મારું શહેર, સ્વચ્છ શહેર" ની ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરાશે. થર્ડ પાર્ટી એજન્સી દ્વારા રજુ કરવામાં આવતા ત્રિમાસિક રીપોર્ટના આધારે યોગ્ય ચકાસણી બાદ શ્રેષ્ઠ સ્વચ્છતા કામગીરીના આધારે શ્રેષ્ઠ કલેક્ટર, શ્રેષ્ઠ કમિશનર, શ્રેષ્ઠ પ્રાદેશિક કમિશનર અને શ્રેષ્ઠ ચીફ ઓફિસરને સર્ટીફિકેટથી સન્માનિત કરાશે અને શહેરોને કુલ રૂપિયા 16 કરોડના એવોર્ડ અપાશે.
આ એવોર્ડ અન્વયે 10 લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકાને રૂપિયા 5 કરોડ, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓને રૂપિયા 4 કરોડ, “અ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા 3 કરોડ, “બ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા 2 કરોડ તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા 1-1 કરોડ પ્રમાણે એવોર્ડ અપાશે. રાજ્યના શહેરોની સ્વચ્છતા અને સફાઈની કામગીરીમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા નિભાવતા સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી તરીકે બિરદાવીને નાણાંકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
