ગુજરાતમાં ભાજપ દ્વારા કટોકટીના કાળા દિવસની ઉજવણી
Live TV
-
કટોકટીના 44 વર્ષ પૂર્ણ, વડોદરામાં સીએમ વિજય રૂપાણી જ્યારે ખેડામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમમાં લીધો ભાગ
ભારતીય જનતા પાર્ટી દ્વારા 23થી 25 જુન સુધી દેશભરમાં ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને બલિદાન દિવસ તેમજ 1975ની 25 જુને કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટીના વિરોધમાં કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત વડોદરાના કાર્યકરોને કાશ્મીર માટે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ આપેલા બલિદાનની છણાવટ કરી કાર્યકરોને પક્ષના સ્તંભ સમાન નેતાની વિગતો આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કટોકટી દરમિયાન બનેલી ઘટના વાગોળીને પક્ષના કાર્યકરોએ ભૂતકાળમાં કેવો કેવો સંઘર્ષ કર્યો હતો તે બાબતો જણાવી હતી. તેમણે કાર્યકરોને લોકશાહીની રક્ષા કરવા કાર્ય કરવા સહિતની વિગતો આપી હતી..તો આ તરફ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ ભાજપના કમલમ ખાતે કાર્યકરોને સંબોધતાં પાર્ટી અને કેડરના ઈતિહાસની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સાત દાયકા પહેલા કાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટ લેવી પડતી હતી, ત્યારે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ સવિનય કાનુન ભંગ કરી ભેદી સંજોગોમાં હત્યા થઈ હતી. તેમજ વર્ષ 1975ની 25 જુને ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી, તે સમયે RSS અને જનસંઘે વિરોધ કર્યો હતો અને હજારો કાર્યકરો જેલમાં ધકેલાયા હતા. આમ 25 જુનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં જૂના કાર્યકરો ડોક્ટર જેસવાણી, દશરથભાઈ પટેલ, ગોપાલભાઈ શાહ, જાન્હવી વ્યાસ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
