ગુજરાત રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ
Live TV
-
19 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસર ધોધમાર વરસાદ સ્વરૂપે રાજ્યમાં દેખાઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યો છે. અરબી સમુદ્રમાં રહેલા વાયુ વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં ભરબપોરે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સવારથી ભારે ઉકળાટવાળું વાતાવરણ વચ્ચે છુટા-છવાયા ઝાપટાથી લઇ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ચોમાસુ નહીં પણ વાવાઝોડાની અસરના કારણે પડેલા વરસાદમાં કડી, તલોદ અને સરસ્વતિ તાલુકામાં ભારે પવન સાથે જ્યાં 1 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યાં અન્ય તાલુકાઓમાં પણ પોણા ઇંચ સુધીના વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 19 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં 18 જૂને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી લઇ સાડા ચાર ઇંચ સુધીના ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદમાં શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે. શહેરમાં વરસાદી વાતાવરણના કારણે અસહ્ય ઉકળાટથી શહેરીજનોએ રાહત મળી છે.અને હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસા જેવા વાતાવરણના કારણે ગરમીથી લોકોએ રાહત મેળવી છે.
