છોટા ઉદેપુર ખાતે ધૂળેટીના દિવસે પારંપારિક યુલનો મળો યોજાયો
Live TV
-
આ મેળામાં આદિવાસી સમાજના લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવા અંગારા ઉપર ચાલે છે
છોટા ઉદેપુર ખાતે ધૂળેટીના દિવસે દર વર્ષની જેમ પારંપરિક રીતે ચુલનો મેળો યોજાયો હતો. આ મેળામાં આદિવાસી સમાજના લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા અંગારા ઉપર ચાલે છે. તેમજ હોળી પ્રાગટ્ય થયા બાદ આદિવાસી વિસ્તારના અનેક ગામમાં ચુલનો મેળો યોજાય છે, અને ભક્ત પ્રહલાદનું સ્મરણ કરીને શ્રદ્ધાળુઓ અંગારા ઉપર ચાલે છે. આ ઉત્સવ માટે આદિવાસી લોકો પોતાના પારંપરિક પોશાક તેમજ વાંજિત્રો સાથે આવે છે અને હોળીની પ્રદક્ષિણા કરે છે.
આ મેળામાં જે લોકો અંગારા પર ચાલવાના હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે, અને જ્યાં ચુલનો ખાડો ખોડયો હોય ત્યાં શ્રીફળ ચઢાવીને અગ્નિમાં ચાલે છે. ચુલમાં ચાલનારા ઘણા લોકો શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે. તેમજ ચાલતા પહેલા તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે, તે પછી પોતાના ઈષ્ટ દેવને નમન કરી અગ્નિમાં સળસળાટ ચાલ્યા જાય છે. આ પરંપરાની વિશેષતાઓ રાજ્યના અનેક વિસ્તાર સહિત દેશ અને વિદેશ સુધી પહોંચતા તેને જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
