જૂનાગઢમાં કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી રૂપાણી
Live TV
-
આયુષ્યમાન ભારત અને મા અમૃતમ્ યોજનાનો વ્યાપ વધારવા સરકાર પ્રતિબદ્ધ , સાથે જ જૂનાગઢ રોપ-વે પ્રોજેક્ટની પણ કરી સમીક્ષા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે છે. પવિત્ર યાત્રાધામ એવા જૂનાગઢમાં મુખ્યમંત્રીએ એક ખાનગી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. આ હોસ્પિટલમાં સરકારની પણ વિવિધ યોજનાઓ થકી દર્દીઓની મફત સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, જયેશ રાદડિયા, જૂનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમા, પોરબંદર સાંસદ રમેશ ધડુક ,સહિત રાજકીય આગેવાની ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જુનાગઢ-વડાલમાં મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના નવા જિલ્લાઓમાં મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પૈસાના અભાવે રાજયમા એકપણ નાગરિક સારવાર વિહોણો ન રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ્ય વિસ્તારમા હોસ્પિટલો સ્થાપનાર સંસ્થાઓ તબીબોને વીજ બીલ, લોન વ્યાજમા રાહત અપાશે. સાથે જ રાજ્યમાં તબીબોની ઘટ નહીં રહે અને વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે રાજ્ય બહાર જવું પડશે નહિં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના પોતાના પ્રવાસ દરમિયાન આજે ગિરનાર રોપ-વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને પ્રોજક્ટથી જૂનાગઢમાં સ્થાનિક રોજગારી વધે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
