ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં બે દિવસિય ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન થશે
Live TV
-
રાજ્યના ધરતીપુત્રોને રવિ સિઝનમાં રવિપાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે સૂક્ષ્મ જાણકારી પૂરી પાડવા સાથે, વિવિધ ખેડૂતકલ્યાણ લક્ષી યોજનાઓની જાણકારી પૂરી પાડવા માટે રાજ્યભરમાં તમામે તમામ તાલુકા કક્ષાએ બે દિવસિય ‘રવિ કૃષિ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. જે મુજબ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને વરેલા ડાંગ જિલ્લામાં પણ તારીખ 24 અને 25 નવેમ્બરના રોજ બે દિવસ ‘રવિ કૃષિ મહોત્સવનું’ આયોજન જિલ્લા વહીવટી તંત્રએ ઘડી કાઢ્યું છે.
ડાંગ જિલ્લાના કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ. ડામોર તથા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલની રાહબરી હેઠળ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ અને સુબીર ખાતે પણ તારીખ 24 અને 25 નવેમ્બર દરમિયાન ‘રવિ કૃષિ મહોત્સવ’ નું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે મુજબ આહવા તાલુકા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તારીખ 24/11/2023 ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને, આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, સુબીર તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના અધ્યક્ષા નિર્મળા ગાઇનના અધ્યક્ષસ્થાને સુબીર સ્થિત નવજોત સ્કૂલ ખાતે, અને વઘઇ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત ભોયેના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત કરાયો છે.
