ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે આઠ કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો થઈ ગયો બંધ
Live TV
-
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે કોતરો કોઝવે તથા રોડના ધોવાણ થવાની સાથે મસમોટા ગાબડા પડતા ભારે નુકસાન થયુ હતું. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે આજથી શુક્રવાર સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારીએ સરકારી, બિન-સરકારી, નોન-ગ્રાન્ટેડ, સમાજ કલ્યાણ હસ્તકની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને લેખિતમાં જાણ કરી ડાંગ જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સુચના આપી છે.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજના દિવસે પણ આઠ કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હોવાથી ૧૦ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અહીની નદીઓ ગાંડી તુર બની ને વહી રહી છે. આ ઉપરાંત ઘાટ માર્ગમાં ભેખડો ધસી પડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ કલાકો સુધી અવરોધાયો હતો. ડાંગ પ્રશાસન દ્વારા ભેખડો ધસી પડતા રોડ પર જામેલી માટી ખસેડવાનું કામ તેમજ તુટેલા વૃક્ષોને સાઈડમાં કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે રસ્તાઓની સાફ-સફાઈની કામગીરી ઝડપી ધોરણે શરૂ કરવામાં આવી છે.
