તંદુરી ચા થકી પાટણના બે ભાઈઓ બન્યા આત્મનિર્ભર
Live TV
-
સામાન્ય રીતે આપણે ચાને ભારતીય પીણું ગણીએ છીએ. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઘરે ઘરે ચા પીવાતી હોય છે. આદુ, ફૂદીના, ઈલાયચી અને મસાલાવાળી ચાથી જ ભારતીય લોકોની સવાર પડતી હોય છે. જો કે હવે ચા ની સાથે સાથે ગ્રીન ટી, લેમન ટી, આયુર્વેદિક ટી પણ ચલણમાં આવી રહી છે.
તમે તંદુરી ચા વિશે સાંભળ્યું હશે, પણ હવે ગુજરાતમાં પણ તંદુરી ચા પીવા મળશે. પાટણ જિલ્લામાં બે યુવાનોએ તંદુરી ચા સાથે નવતર અભિગમ સર્જયો છે.
શું છે તંદુરી ચા ?
સળગતી ભઠ્ઠી અને ભઠ્ઠીમાં શેકાય છે માટીની કુલડીઓ... ગરમાગરમ રબડી જેવી ચા ને ગરમ ગરમ કુલડીમાં રેડતા તેમાંથી માટીની સુગંધી પણ આવવા લાગે છે. આ ચા માટીના કપમાં જ લોકોને પીરસવામાં આવી રહી છે.કોરોનાની મહામારીને કારણે બેકાર બનેલા પાટણના બે યુવા ફોટોગ્રાફર ભાઈઓએ કંઇક નવીન સાહસ કરી આત્મનિર્ભર થવાનું વિચાર્યું જેમાં તેમને સોશિયલ મીડિયાનો એક વીડિયો કામ લાગ્યો. બંને ભાઈઓએ સોશિયલ મીડિયા પર તંદુરી ચા નો એક વીડિયો જોયો. જેના બાદ તેમને આ ચા વેચવાનો વિચાર આવ્યો હતો. આ તંદુરી ચાને પાટણવાસીઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
યોગેશ ગોસ્વામી અને સૌરભ ગોસ્વામી નામના બે યુવાનો ફોટોગ્રાફીનો બિઝનેસ કરતા હતા, પરંતુ લોકડાઉનના કારણે તેમનો ધંધો મંદો પડતા તેમને આત્મનિર્ભર થવાનું સૂઝ્યું હતું અને તેના માટે તેમણે ચા નો વ્યાપાર કરવાનો વિચાર કર્યો અને તેમાં બંને ભાઈઓએ સફળતા પણ મેળવી.
