તરણેતર લોકમેળામાં સ્વચ્છતાનો મહા અભિયાન
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત તરણેતર મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે. મેળા પરિસરમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ખાસ સઘન આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કામગીરી અટક્યા વગર ૨૪ કલાક સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
તરણેતરના તલાટી-કમ-મંત્રી એચ. જી. જોગરાણાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વ્યવસ્થાને સંભાળવા માટે કુલ ૧૮૦ તાલીમબદ્ધ સફાઈ કર્મચારીઓની ફોજ તૈનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓ ખાણી-પીણીના સ્ટોલ્સ, મુખ્ય માર્ગો, સાંસ્કૃતિક મંચ અને મંદિર પરિસર જેવા મુખ્ય સ્થળો પર સતત નજર રાખશે.
ત્રણ શિફ્ટમાં વહેંચાઈ સફાઈ કામગીરી કામગીરીમાં કોઈ જ કસૂર ન રહે તે માટે ૨૪ કલાકના સમયને ૮-૮ કલાકની ત્રણ મુખ્ય શિફ્ટમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
દરેક શિફ્ટમાં 60-60 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવશે. એક શિફ્ટ પૂરી થતાં જ બીજી શિફ્ટના કર્મચારીઓ તુરંત ચાર્જ સંભાળી લેશે, જેથી સફાઈ પ્રક્રિયામાં જરાય વિક્ષેપ ન પડે. દિવસ ઉપરાંત મોડી રાત્રે અને વહેલી સવારે પણ સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલુ રહેશે. વહીવટી તંત્ર દ્વારા કચરાના ત્વરિત એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ઉત્તમ વ્યવસ્થાપન કરાયું છે, જેથી મેળાની ભવ્યતાની સાથે સ્વચ્છતાની પણ એક ઉત્કૃષ્ટ છાપ ઊભી થાય.
પ્રવાસીઓ માટે ખાસ અપીલ :
તંત્રની આ સુદૃઢ વ્યવસ્થાની સાથે મેળામાં આવતા તમામ મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. ગ્રામ પંચાયત દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગમે ત્યાં કચરો ફેંકવાને બદલે માત્ર કચરાપેટીનો જ ઉપયોગ કરે અને લોકમેળાને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે.
