દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ
Live TV
-
સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી કાળઝાળ ગરમીમાં થોડા અંશે રાહત મળી.
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી કાળઝાળ ગરમીમાં થોડા અંશે રાહત મળી છે, પરંતુ ચોમાસુ દિવસેને દિવસે હાથતાળી આપી પાછુ ઠેલાતું જાય છે. આવી સ્થિતિમાં રવિવારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. નવસારી, સુરત, તાપી સહિત અનેક વિસ્તારોમાં વાદાળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેના પગલે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ નવસારીમાં ગરનાળામાં પાણી ભરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગરનાળામાં પાણી ભરાયું હોવાના કારણે રેલવે ક્રોસિંગ માટે વાહન ચાલકોને હાલાકી પહોંચી રહી છે. રેલવે ફાટક બંધ રહેતા આ ગરનાળુ એક માત્ર વિકલ્પ છે. આમા પણ પાણી ભરાવાથી લોકો પરેશાન થઇ ગયા છે.
આ ઉપરાંત સુરત, તાપી, વાપી સહિતના અનેક વિસ્તારોમાં રવિવારે સવારથી જ વાદળછાયું વાતારણ છે. કેટલાક ઠેકાણે વરસાદી છાંટા પણ પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે મોડી સાંજે અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં સાવરકુંડલા, છાપી, લીખાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મહેરબાની કરતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આજે ગ્રામ્ય પંથકમાં લગભગ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો વરસાદની કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે.
આ બાજુ ગીર સોમનાથ અને દીવ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, ઉના, દીવ સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોભર્યું વાતાવરણ સર્જાયું હતું, તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, સાથે ઠંડો પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી છે.
જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વલસાડ અને સંઘ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા આજે મહેરબાન થયા છે. વલસાડ જિલ્લાના પંથકમાં દિવસભર હળવો વરસાદ વરસ્યો છે. વાપી, વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકોએ આજે ઠંડકનો અનુભવ કરતા ખુશીની લહેર છવાઈ હતી. પરંતુ તંત્રની પ્રિ-મોનસુન પ્લાનની પોલ ખુલી ગઈ હતી. વરસાદના હળવા ઝાપટાથી અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
