Skip to main content
Settings Settings for Dark

દશેલા ખાતે ૧૨૮ કરોડ રૂ.ના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે આજે ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પશુપાલક બહેનોએ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહનું સ્વાગત પણ કર્યું હતું.  

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દશેલા ખાતે ૧૫ એકર જમીનમાં રૂ. ૧૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત આ સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ પશુપાલકોની આર્થિક ઉન્નતિનો આધાર બનશે. આ પ્લાન્ટ દૈનિક અઢી લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરશે, જેને ભવિષ્યમાં પાંચ લાખ લીટર સુધી વધારવાનું આયોજન છે. આ પ્લાન્ટના સંચાલનનો ખર્ચ બાદ કર્યા પછી બચેલો આશરે ૭૫ ટકા નફો સીધો જ પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે.

    ડેરી સેક્ટરને મહિલા સશક્તીકરણનું વિશેષ માધ્યમ ગણાવતા અમિત શાહે ઉમેર્યું કે, આજે ગુજરાતમાં ૩૬ લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક ત્રણ કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે , જેના પરિણામે દરરોજ અંદાજે રૂ. ૨૦૦ કરોડની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. તેમણે અંગત અનુભવ વર્ણવતા કહ્યું કે, પહેલા જે બહેનો આર્થિક રીતે સ્વનિર્ભર ન હતી, તે આજે તે આજે ડેરી સેક્ટરને કારણે 'ઘરની શેઠ' બની છે.  

    કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, ડેરી સેક્ટરમાં 'સર્ક્યુલર ઇકોનોમી'ને પ્રોત્સાહન આપી પશુપાલકોની આવકમાં ઓછામાં ઓછો ૨૦ ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  તેમણે અમૂલની પ્રોડક્ટ્સ પ્રત્યે લોકોમાં વધી રહેલા  વિશ્વાસનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમૂલની સુગર ફ્રી ચોકલેટ એ “સુગર ફ્રી ચોકલેટ” શ્રેણીમાં દેશમાં પ્રથમ ક્રમે છે, જેનો સીધો ફાયદો ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, શ્વેત ક્રાંતિ ૨.૦ અંતર્ગત આગામી ૧૦ વર્ષમાં દેશનું કુલ દૂધ ઉત્પાદન ત્રણ ગણું વધારવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. અમૂલે ટેકનોલોજીના માધ્યમથી પશુપાલકોનો નફો વધારવાનું કામ કર્યું છે. તેમણે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા લોન્ચ કરાયેલ એઆઈ ડિજિટલ સહાયક ‘સરલાબેન'નો ઉલ્લેખ કર્યો હતો, જે આજે ગ્રામીણ વિસ્તારની બહેનોને પશુપાલન અને ખેતીમાં મદદરૂપ થઈ રહી છે.

    આ તકે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ મધુર ડેરીની પ્રગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનભાઈ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનની પરંપરાને આગળ ધપાવી છે. મધુર ડેરીએ વર્ષ ૧૯૭૧માં માત્ર ૪ મંડળીઓ અને ૬,૦૦૦ લીટર દૂધ એકત્રિકરણથી શરૂ કરેલી યાત્રા આજે રૂ. ૨૬૮ કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચી છે.

    આ અવસરે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધુર ડેરીના મિલ્ક પ્રોસેસીંગ અને પેકેજિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધ ધરતી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદલાતા જતા પ્રવાહો સાથે સહકાર ક્ષેત્ર પણ કદમથી કદમ મિલાવી શકે એવા વિઝન સાથે ‘સહકાર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવ્યો છે. એટલું જ નહિ, પ્રધાનમંત્રીએ વિકાસની રાજનીતિનો નવો ઈતિહાસ સર્જ્યો છે, તેમાં પણ સૌના સહકારથી દેશની સમૃદ્ધિનો જ ભાવ હૈયે રાખ્યો છે. તેના પરિણામે જનતા-જનાર્દનનો અપાર વિશ્વાસ અને ભરોસો મળ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

    મુખ્યમંત્રીએ મધુર ડેરીના ઐતિહાસિક સંસ્મરણો વાગોળતા કહ્યું કે, આજથી સાડા પાંચ દાયકા પહેલાં માત્ર ત્રણ-ચાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ આ સંઘ શરૂ કર્યો હતો અને હવે ગાંધીનગરવાસીઓની પ્રત્યેક સવાર મધુર બ્રાન્ડ નેઈમના દૂધની ‘ચા’ થી જ પડે છે.  તેમણે મધુર ડેરી અને ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની અન્ય વિશેષતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગાંધીનગરમાં દૂધ વાપરનારાઓની એટલે કે ગ્રાહકોની સહકારી મંડળી પચાસ વર્ષથી કાર્યરત છે. 15 હજાર સભાસદો ધરાવતી આ મંડળી 230 વિતરણ કેન્દ્રો પરથી મધુર ડેરીના દૂધનું વિતરણ કરે છે.

    મુખ્યમંત્રીએ મધુર ડેરીના આ કાર્યક્રમને અમિતભાઈના દિશાદર્શનમાં ગાંધીનગર માટે શ્વેત ક્રાંતિથી વિકાસ ક્રાંતિનો ઉત્સવ ગણાવ્યો હતો અને ડેરીની વિકાસ ગાથામાં જે નવું સોપાન ઉમેરાયું તે માટે મધુર ડેરી પરિવારને અભિનંદન આપ્યા હતા.
     
    મુખ્યમંત્રીએ આ પ્રસંગે મંચ પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહનું બંગાળની ચૂંટણીના વિજયનો શ્રેય આપીને અભિવાદન કર્યું હતું. પશ્ચિમ બંગાળના લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વને પ્રચંડ સમર્થન આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

    ગૃહમંત્રી અમિતભાઈએ સંગઠન શક્તિ, કાર્યકર્તા આધારિત રાજકારણ અને જન વિશ્વાસ કેવી રીતે જીતી શકાય તેનું જીવંત ઉદાહરણ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોથી બતાવ્યું છે તેની પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રસંશા હતી.

    આ પ્રસંગે મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ શાબ્દિક સ્વાગત કરીને મધુર ડેરીની વિસ્તૃત ભૂમિકા આપી હતી. 

    આ પ્રસંગે અમૂલ ફેડેરેશન-GCMMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી, નાફેડના ચેરમેન જેઠાભાઇ આહીર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મધુર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply