Skip to main content
Settings Settings for Dark

વિશ્વ મ્યુઝિયમ દિવસ: ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું નવું શિખર, ગાંધીનગરના કોબા ખાતેનું નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’

Live TV

X
  • ગાંધીનગર અને અમદાવાદની મધ્યમાં કોબા ખાતે આવેલું નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' ભારતની ભવ્ય વિરાસત, આધ્યાત્મિકતા અને જૈન કલા-સંસ્કૃતિનો એક અનમોલ અને અદ્વિતીય ખજાનો છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના પવિત્ર સંકુલમાં સ્થિત આ સંગ્રહાલય માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભારતીય ઇતિહાસ અને સ્થાપત્ય કળાને વૈજ્ઞાનિક અભિગમથી સમજવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મ્યુઝિયમનું નામ મૌર્ય સામ્રાજ્યના પ્રતાપી શાસક અને સમ્રાટ અશોકના પૌત્ર રાજા સંપ્રતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઇતિહાસમાં સમ્રાટ સંપ્રતિને "જૈન ધર્મના અશોક" તરીકે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે, જેમણે હજારો જિનાલયો અને લાખો મૂર્તિઓનું નિર્માણ કરાવીને ભારતીય શિલ્પકળાને દેશ-વિદેશમાં ગૌરવ અપાવ્યું હતું.

    ભારતના ગૌરવવંતા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીને લોકો આ વારસાથી માહિતગાર થાય એ આશયથી ગત તારીખ 31 માર્ચના રોજ મહાવીર જયંતિના પાવન અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આ આધુનિક મ્યુઝિયમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે જૈન સંપ્રદાયના પ્રખર સંત પૂજ્ય અજયસાગર સૂરીશ્વરજી મહારાજે વડાપ્રધાનશ્રીને મ્યુઝિયમની વિશિષ્ટ ગેલેરીઓ, દુર્લભ કલાકૃતિઓ અને તેના અજોડ ઐતિહાસિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પરમ પૂજ્ય આચાર્યશ્રી કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજની દ્રષ્ટિ અને પ્રેરણાથી આકાર પામેલું આ વૈશ્વિક કક્ષાનું સંગ્રહાલય તા.૨૩ એપ્રિલથી દેશ-વિદેશના પ્રવાસીઓ અને સામાન્ય જનતાની મુલાકાત માટે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

    આ આધુનિક મ્યુઝિયમ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરાયેલી આકર્ષક ગેલેરીઓ ધરાવે છે, જેમાં 10મી થી 15મી સદીના પથ્થર અને ધાતુના અદભુત શિલ્પો સુવ્યવસ્થિત રીતે સાચવવામાં આવ્યા છે. મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ તેનો જ્ઞાનભંડાર છે, જ્યાં તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હજારો વર્ષ જૂની દુર્લભ હસ્તપ્રતો, સુવર્ણ અક્ષરોથી અંકિત પવિત્ર ગ્રંથો, પ્રાચીન શિલાલેખો અને કુદરતી રંગોથી બનેલા લઘુચિત્રો નો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ ઉપલબ્ધ છે. પ્રશંસનીય બાબત એ છે કે આ પ્રાચીન વારસાને સુરક્ષિત રાખવા માટે અહીં ખૂબ જ આધુનિક સ્તરે ડિજિટાઈઝેશન ની કામગીરી કરવામાં આવી છે.

    સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ માત્ર એક જોવાલાયક સ્થળ નથી, પરંતુ પ્રાચીન લિપિ, ભાષાના વિકાસ અને ભારતીય સંસ્કૃતિ પર સંશોધન કરતા વૈશ્વિક સ્કોલર્સ અને વિદ્યાર્થીઓ માટે એક જીવંત રિસર્ચ સેન્ટર છે. સંકુલનું આધ્યાત્મિક, શાંત અને શિસ્તબદ્ધ વાતાવરણ મુલાકાતીઓને એક અનોખી માનસિક શાંતિ પ્રદાન કરે છે.

    દર વર્ષે 18 મે ના રોજ ઉજવાતા 'વિશ્વ મ્યુઝિયમ દિવસ' , અંતર્ગત વાત કરવામાં આવે તો વારસાના જતન અને જાગૃતિને આ મ્યુઝિયમ સાચા અર્થમાં સાર્થક કરે છે. ગાંધીનગર જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓ, પત્રકારો અને ઇતિહાસપ્રેમીઓ માટે આ સ્થળ આપણા ભવ્ય ભૂતકાળના મૂળ સાથે જોડાવાનું એક ઉત્તમ માધ્યમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply