Skip to main content
Settings Settings for Dark

PM મોદીનું સ્વપ્ન 'કલ્પસર યોજના' થશે સાકાર, ભારત-નેધરલેન્ડ વચ્ચે કરાર

Live TV

X
  • ગુજરાતની જળક્રાંતિને મળશે ‘ડચ’ ટેક્નોલોજીનો પાંખો: PM મોદીના પ્રયાસોથી ‘કલ્પસર યોજના’ સાકાર થવા તરફ છે, કેમ કે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે ઐતિહાસિક કરાર થયા છે.

    ગુજરાતની કાયાપલટ કરનારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી મહત્વાકાંક્ષી ‘કલ્પસર યોજના’ ને સાકાર કરવાની દિશામાં એક ઐતિહાસિક સફળતા મળી છે. પીએમ મોદીના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કલ્પસર યોજનાના ટેકનિકલ સહયોગ માટે એક મહત્વપૂર્ણ આશયપત્ર (Letter of Intent - LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીથી હવે ગુજરાતના જળ સંસાધન ક્ષેત્રને નેધરલેન્ડ્સની વિશ્વપ્રસિદ્ધ દરિયાઈ ટેક્નોલોજી અને નિપુણતાનો સીધો લાભ મળશે.

    PM મોદીની ‘Afsluitdijk’ ડેમની મુલાકાત
    પોતાના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ત્યાંના વડાપ્રધાન રોબ જેટન સાથે વિશ્વના એન્જિનિયરિંગના અજાયબી ગણાતા ‘અફસ્લુઇટડિજ્ક’ (Afsluitdijk) ડેમની ખાસ મુલાકાત લીધી હતી. આ આશરે 80 વર્ષ જૂનો અને 32 કિલોમીટર લાંબો બેરિયર ડેમ છે, જે ઉત્તર સમુદ્રના ખારા પાણીને રોકીને અંદર મીઠા પાણીનું વિશાળ સરોવર બનાવે છે. ગુજરાતની કલ્પસર યોજના અને નેધરલેન્ડ્સના આ પ્રોજેક્ટ વચ્ચે અઢળક સમાનતાઓ હોવાથી, પીએમ મોદીની આ મુલાકાત કલ્પસર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

    શું છે કલ્પસર યોજના અને તેના ફાયદા?
    તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને લાંબા ગાળાની જળ સુરક્ષા આપવા માટે ખંભાતના અખાતમાં આ વિરાટ યોજનાની કલ્પના કરી હતી. આ યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રમાં વહી જતી સાત નદીઓના પાણીને રોકીને મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત જળાશય બનાવવાનો પ્લાન છે.

    યોજના સાકાર થવાથી ગુજરાતને થનારા મોટા ફાયદા:

    સિંચાઈનો વિરાટ લાભ: સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓની અંદાજે 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.

    અંતરમાં મોટો ઘટાડો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર થઈ જશે, જેનાથી પરિવહન ક્રાંતિ આવશે.

    ગ્રીન એનર્જીનું હબ: ડેમ સાઇટ પર અંદાજે 1500 મેગાવોટ પવન ઊર્જા (Wind Energy) અને 1000 મેગાવોટ સૌર ઊર્જા (Solar Energy) નું ઉત્પાદન થશે.

    સરદાર સરોવર પર નિર્ભરતા ઘટશે: પીવાના પાણી અને સિંચાઈ માટે માત્ર એક યોજના પર નિર્ભર રહેવું નહીં પડે. સાથે જ મત્સ્યઉદ્યોગ અને પ્રવાસનનો વ્યાપક વિકાસ થશે.

    કેમ જરૂરી બન્યો નેધરલેન્ડ્સનો સાથ?
    ખંભાતના અખાતમાં ભરતી-ઓટના પ્રચંડ વેગ વચ્ચે ડેમ બનાવવો એ ટેકનિકલી અત્યંત જટિલ અને પડકારજનક કામ છે. સમુદ્ર કિનારે વસેલા અને પૂર નિયંત્રણ તેમજ ડેમ નિર્માણમાં 90 વર્ષથી વધુનો વૈશ્વિક અનુભવ ધરાવતા નેધરલેન્ડ્સની મદદ આ પ્રોજેક્ટ માટે સંજીવની સમાન છે. નેધરલેન્ડ્સની વિખ્યાત સંસ્થા 'રોયલ હાસ્કોનિંગ' ઓલરેડી કલ્પસરના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ની સૌથી જટિલ ગણાતી 'ક્લોઝર મેથડોલોજી' (સમુદ્રની વચ્ચે ડેમ બંધ કરવાની પદ્ધતિ) પર કામ કરી રહી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાવી હતી બ્લુપ્રિન્ટ
    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 30 માર્ચ, 2026ના રોજ ગાંધીનગર ખાતે નેધરલેન્ડ્સના રાજદૂત મારિસા ગેરાર્ડ્સ સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રોજેક્ટ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી હતી, જેમાં ‘ઇન્ડો-ડચ’ નિષ્ણાત સમૂહની રચના અને G2G (ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ) ભાગીદારીનો પાયો નખાયો હતો. જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય અને પર્યાવરણીય અવરોધો પાર કરીને 'સરદાર સરોવર ડેમ'ના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું હતું, તેમ હવે નેધરલેન્ડ્સ સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારીથી કલ્પસર યોજના પણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ આવનારી સદીઓ સુધી ગુજરાતને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply