દેવદર્શન કરી રાજ્યભરના લોકોએ નૂતનવર્ષનો કર્યો પ્રારંભ
Live TV
-
મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી
રાજ્યભરમાં નાગરિકોએ નૂતનવર્ષનો પ્રારંભ દેવદર્શન કરી કર્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દર્શનાર્થીઓએ નૂતન વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યભરમાં લોકો દિવાળી વેકેશન માટે તીર્થ સ્થાનો તથા પર્યટન સ્થળોએ જઈ રહ્યા છે. ગુજરાતીઓ દિવાળી નિમિત્તે ધંધા રોજગારના મૂહૂર્ત બાદ વેકેશન મનાવે છે. જેથી હવે અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં લાભ પાંચમ સુધી વેકેશનનો માહોલ રહેશે
તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લાવાસીઓ તથા ગુજરાતની તમામ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે આવેલા કાર્યાલય પરથી મહેસાણા જિલ્લાના કાર્યકરો તથા લોકોને નવું વર્ષ દરેક પ્રકારે સુખદાયી તથા શ્રેષ્ઠ નિવડે એવી શુભેચ્છા પાઠવી, "સૌનો સાથ- સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" જળવાઈ રહે એવી શુભકામના આપી હતી
નવા વર્ષના પર્વને લઈને ગુજરાત ભાજપના આગેવાન અને પ્રદેશના ઉપાધ્યક્ષ, આઈ.કે.જાડેજાએ ધ્રાંગધ્રામાં સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નવા વર્ષની શુભકામનાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથ ધરેલા અભિયાન , પ્લાસ્ટિક મુક્ત દેશની પહેલ કરવામાં આવી હતી. અને લોકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈ.કે. જાડેજાએ કહ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોમાં સહભાગી થઈએ અને દેશને મજબૂત બનાવીએ. સાથે જ તેમણે દેશની વિશ્વમાં નામના થાય તે માટેના કાર્યમાં લોકોને આગળ આવવાનું આહ્વાન કર્યું હતું.
