દ્વારકાનો ભીમગજા ડેમ ભયજનક સપાટીએ, રાજપરા ગામને એલર્ટ કરાયું
Live TV
-
રાજ્યમાં સતત ત્રણ ચાર દિવસ ભારે પડેલા વરસાદને પગલે યાત્રાધામ દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
ત્યારે પાણીના નિકાલ માટે વધુ પંપ સેટ મંગાવાયા છે. જિલ્લા કલેકટર દ્વારા દ્વારકાનાં પાણી ભરેલા વિસ્તારોની મુલાકાત લઈ પાણીના તાત્કાલિક નિકાલની ખાતરી આપવામાં આવી હતી.
હાલ સલાયા પાલિકામાંથી પંપ સેટ મંગાવ્યા બાદ વધુ પંપ સેટ રાજકોટથી અને અન્ય સિંચાઇ વિભાગમાંથી મંગાવ્યા હોઈ આજે રાત્રિનાં બાર વાગ્યા સુધીમાં રસ્તો સાફ થઈ જશે, તેવી આશા અધિકારીઓએ વ્યક્ત કરી છે. દ્વારકાના લગભગ તમામ માર્ગો હાલ પાણીથી તરબોળ છે. ત્યારે પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી સ્થાનિકોની માગ છે.
ભારે વરસાદને પગલે દ્વારકા તાલુકાનો ભીમગજા ડેમ ભય જનક સપાટીએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત હસ્તકના આ ડેમનો પાળો તૂટવાની શક્યતાને પગલે તંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા નજીક ના રોડ તોડી નાંખી સાવચેતીનાં પગલાં પણ લેવાયા છે. ડેમ નજીકના રાજપરા ગામને એલર્ટ કરી લોકોને ઉંચાણવાળા વિસ્તારોમાં ખસેડાયા છે.
