નડિયાદઃ ચાર માળનું એપાર્ટમેન્ટ ધરાશાયી, ચારના મોત અને છ ઈજાગ્રસ્ત
Live TV
-
રેસ્ક્યુ ઓપરેશનમાં NDRFની ટીમ સતત ખડેપગે, બાળકી સહિત ચારને બચાવવામાં સફળતા
સમગ્ર રાજ્યમાં અવિરત મેઘમહેર ચાલુ જ છે. ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો લોકો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા અતિશય વરસાદના પગલે નડિયાદ ખાતે આવેલા કપડવંજ રોડ ઉપર એસ.ટી.નગર સામે પ્રગતિનગરમાં આવેલ ચાર માળનું એક એપાર્ટમેન્ટ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.
તમામ ઈજાગ્રસ્ત લોકોને એન.ડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં હતા. આ ધરાશાયી થયેલા બ્લોકમાં ચાર પરિવારો દબાઈ ગયાં હતાં. ગઈકાલે મોડી રાતે બનેલી આ ઘટનામં રેસ્ક્યુ ઓપરેશનમાં NDRFની ટીમ સતત ખડેપગે કામગીરી કરી રહી છે. જેવી ઘટનાની જાણ થઈ કે તરત જ સમગ્ર ખેડા જિલ્લાનું પોલીસ સ્ટાફ ફાયરબ્રિગેડ અને બે JCB મશીનો ઉપરાંત ચાર એમ્બ્યુલન્સ વાન સહિત સ્થાનિક લોકો અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
વરસતા વરસાદમાં અમદાવાદની વિશિષ્ટ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આખી રાત ચાલી હતી અને હજુ પણ ચાલી રહી છે. બચાવ કામગીરી દરમિયાન ટીમે એક બાળકી સહિત ચાર વ્યક્તિને જીવીત અવસ્થામાં બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દરેક લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ પણ બીજા આઠેક જેટલા વ્યક્તિઓ દબાઈ ગયા હોય તેવો અંદાજ છે.
આ ઘટનાની જાણ વહીવટી તંત્રને થતાં ખેડા જિલ્લા કલેકટર સુધીર પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા સહિત તમામ પોલીસ સ્ટાફ, એનડીઆરએફની ટીમ તેમજ ખેડા જિલ્લા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઉપરાંત અમદાવાદથી વિશેષ ટીમે દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જે આખી રાત ચાલી હતી. રાત્રીના દોઢ વાગ્યા સુધીમાં ચાર વ્યક્તિઓને બાળકી સહિત બચાવવામાં સફળતા મળી હતી.
