10 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર ગોધરા, ફરી શરુ થયો રેલ વ્યવહાર
Live TV
-
ગોધરા શહેર પણ જળબંબાકાર, ફરી પૂર્વવત થયો રેલ વ્યવહાર
સમગ્ર ગુજરાત રાજ્યને મેઘરાજા ફરીથી ઘમરોળી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકથી અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં વરસાદ ચાલું જ છે. ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર તેમજ માર્ગ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. છેલ્લા ચોવીસ કલાકથી સમગ્ર મધ્ય ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગોધરા શહેરમાં પણ છેલ્લા 10 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ગોધરા શહેર પણ જળબંબાકાર બન્યું હતુ.
શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોધરા રેલવે સ્ટેશન પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેથી સમગ્ર પ્લેટફોર્મ પણ પાણી ફરી વળ્યા હતાં. ગોધરા રેલવે સ્ટેશન પર કેડ સમા પાણી ભરાવાને લઈને દિલ્હી મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર પહોંચી હતી. દિલ્હીથી મુંબઇ જતી અને મુંબઈથી પરત દિલ્હી આવતી ટ્રેનોને આજુબાજુના રેલવે સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી. ગોધરાથી પસાર થતી રાજધાની એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ , ગોલ્ડન ટેમ્પલ મેલ જેવી અનેક ટ્રેન અન્ય સ્ટેશન પર થોભાવી દેવામાં આવી છે. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન ન આવવાને કારણે મુસાફરો રેલવે સ્ટેશન પર જ અટકાઈ ગયા હતાં. રેલવે વિભાગ દ્વારા સ્ટેશન પરથી પાણીનો નિકાલ થાય અને મુંબઈ દિલ્હી રેલવ માર્ગ પુનઃ શરૂ થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતાં. જેના કારણે રેલ વ્યવહાર ફરી પૂર્વવત થયો હતો.
