નર્મદાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં મેળવ્યું પ્રથમ સ્થાન
Live TV
-
નર્મદા જિલ્લામાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન કાર્યક્રમ યોજાયો...જેમાં મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અપાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.... આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે, શિક્ષણ જીવનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો... ત્યારથી રાજ્યમાં શાળા છોડતા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, નર્મદા જિલ્લામાં કુલ 4224 ડ્રોપઆઉટ બાળકોમાંથી 3906 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. પરિણામે જિલ્લામાં 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવની સિદ્ધિ છે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, દેશને સમૃદ્ધ, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માટે ધોરણ 1થી 10 સુધીના શિક્ષણનો પાયો મજબૂત હોવો અત્યંત જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લામાં ડ્રોપઆઉટ બાળકોને પુનઃપ્રવેશ અપાવવામાં નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં તેમના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.... કાર્યક્રમ દરમિયાન ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંગેની લઘુફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા... આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા શિક્ષણાધિકારી કિરણબેન પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
