નર્મદા જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Live TV
-
નર્મદા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં નાગરિક પુરવઠા વ્યવસ્થા, જાહેર વિતરણ પ્રણાલીની અસરકારકતા, ગ્રાહક સુરક્ષા, તકેદારી સમિતિની કામગીરી અને તોલમાપ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકો, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનાજના વિતરણ, વિવિધ યોજનાઓની અમલવારી તેમજ વિભાગ દ્વારા હાથ ધરાતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.જિલ્લામાં ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાણીપીણીનાં સ્થળો, હોટલો અને અન્ય ખાદ્ય સંસ્થાઓની નિયમિત તપાસ કરવા નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડે સૂચના આપી હતી. તેમજ ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી સતત હાથ ધરવા પણ જણાવ્યું હતું.ગ્રાહક સુરક્ષાને વધુ અસરકારક બનાવવા માટે નાગરિકોને પોતાની ફરિયાદો રજૂ કરવા માટે ઉપલબ્ધ વિવિધ પ્લેટફૉર્મ અંગે પૂરતી માહિતી મળી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન યોજવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં વધુ લોકો ગ્રાહક અધિકારો અંગે જાગૃત બને અને જરૂરિયાતના સમયે તેનો લાભ લઈ શકે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિ તેમજ જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની બેઠક પણ યોજાઈ હતી. જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે તકેદારી સમિતિઓની કામગીરી વધુ પરિણામલક્ષી બને તે માટે જરૂરી પગલાં લેવા ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મળેલા પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા ન્યાય સમિતિના અધ્યક્ષ શકુંતલાબેન વસાવા, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સમિતિના બિનસરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
