પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં બ્લડ મૂનનું આયોજન
Live TV
-
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં બ્લડ મૂનનું આયોજન
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે સદીઓ બાદ દેખાનારા બ્લડ મૂન (સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ) નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક વરસાદ વિઘ્નરૂપ બનતાં ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ જોવામાં મુશ્કેલી પડી હતી. તેમ છતાં, સાયન્સ સેન્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે આ અદ્ભુત ખગોળીય ઘટના જોવાનું શક્ય બનાવ્યું હતું.
આ અંગે માહિતી આપતાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “રવિવારે રાત્રે 8:58 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી આ બ્લડ મૂન ચંદ્રગ્રહણ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તેમને આ ઘટના વિશે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.”
આયોજન મુજબ, સેંકડો વર્ષો બાદ જોવા મળતી આ દુર્લભ ખગોળીય ઘટનાને ટેલિસ્કોપના માધ્યમથી જોવાની ઉત્સુકતા લોકોમાં હતી. પરંતુ વરસાદને કારણે આ શક્ય ન બનતાં સેન્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેનાથી ઉપસ્થિત લોકો નિરાશ થયા નહોતા અને આ વિશેષ ઘટનાને માણી શક્યા હતા. આ પહેલથી વિજ્ઞાન પ્રત્યે લોકોની રુચિ વધુ જાગૃત થઈ છે.
