ભારે વરસાદથી વાસણા બેરેજના 28 દરવાજા ખોલાયા
Live TV
-
શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી આશરે 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
પવન અને ભારે વરસાદના કારણે અમદાવાદમાં શિયાળા જેવો માહોલ અમદાવાદમાં સર્જાયો. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજમાંથી 93,568 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.
સાબરમતી નદીમાં વર્ષ 2017 બાદ ફરી એકવાર 1 લાખ કયુસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે. વર્ષ 2017માં ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે 1.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં પણ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે 90,000 ક્યુસેક પાણી છોડાયું હતું. ચાલુ વર્ષે ભારેથી અતિ ભારે વરસાદના પગલે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી એક લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. 8 વર્ષ બાદ સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. તો હજી પણ બે દિવસ અવિરતપણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એકવાર 2017 જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
