પાટણ શહેર 22 જુલાઈથી આગામી 31મી જુલાઈ સુધી સ્વયંભૂ રહેશે બંધ
Live TV
-
પાટણ શહેર 22 જુલાઈથી આગામી 31મી જુલાઈ સુધી સ્વયંભૂ બંધ રહેશે. શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે પાટણ નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે.જે અંતર્ગત 22મી જુલાઈથી 31 જુલાઈ સુધી પાટણ શહેર બપોરે 1 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાલિકા તંત્ર દ્વારા નાના મોટા વેપારીઓ, રીક્ષા ચાલકો, ચા નાસ્તાની લારીઓ વાળા સહિત તમામ વેપારીઓને અપીલ કરી આ નિર્ણયનું ચુસ્ત રીતે પાલન કરવા જણાવાયું છે. અનલોક 1 અને અનલોક-2માં કોરોનાની સ્થિતિ પાટણ શહેર તેમજ જિલ્લા માટે ચિંતાજનક બની રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પાટણ શહેરમાં લોકલ ટ્રાન્સમિશન અને ટ્રાવેલિંગ હિસ્ટ્રીને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસ 427 થયા છે. જેમાંથી પાટણ શહેરના 209 કેસ છે. ત્યારે કોરોનાને વકરતો અટકાવવા પાટણ નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.
