પોલીસ સેવા એ માત્ર નોકરી નથી, પરંતુ માનવતાની સર્વોચ્ચ સેવા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
Live TV
-
ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવનિયુક્ત આઈપીએસ (IPS)અધિકારીઓને રાષ્ટ્રભક્તિ અને માનવતાના માર્ગે ચાલવા આહ્વાન કર્યું છે.
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે વર્ષ 2024ની 77મી આર.આર. બેચના પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.મુલાકાત દરમિયાન રાજ્યપાલએ તમામ યુવા અધિકારીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા મહત્ત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.રાજ્યપાલએ જણાવ્યું કે પોલીસ સેવા એ માત્ર આજીવિકા માટેની નોકરી નથી, પરંતુ તે માનવતાની સેવા કરવાની એક ઉત્તમ તક છે.પ્રજાતંત્રમાં દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી અધિકારીઓના ખભા પર છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાષ્ટ્રભક્તિને સર્વોપરી રાખવી અનિવાર્ય છે.
રાજ્યપાલએ અધિકારીઓને ભાવુક અપીલ કરતા કહ્યું કે, "પોલીસ અધિકારીઓ પાસે પીડિતોના આંસુ લૂછવાની વિશેષ શક્તિ હોય છે. તમારો એક સાચો અને ન્યાયિક નિર્ણય કોઈ પરિવારનું નસીબ બદલી શકે છે અને તેમને ગંભીર સંકટમાંથી ઉગારી શકે છે."જ્યારે કોઈ પોલીસ અધિકારી ગામડાઓમાં જઈને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ સાધે છે, ત્યારે જ જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને આત્મીયતાની ભાવના જાગે છે. રાજ્યપાલએ તમામ પ્રોબેશનરી અધિકારીઓને દેશ અને સમાજની સેવા માટે હંમેશા સમર્પિત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
