પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા દેશભરમાં થઈ રહી છે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારની ફ્લેગશીપ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા સેચ્યુરેશનથી જનજન સુધી વધારવાના હેતુથી દેશભરમાં તા. 15 નવેમ્બર, 2023થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરાવી છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023' ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્ય ભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળી રહેલા જન સમર્થન ને વધુ વ્યાપક બનાવવા રાજ્યના વિવિધ સ્થળોએ 9 થી 11 ડિસેમ્બર દરમ્યાન આ યાત્રા યોજવામાં આવી છે. વિકસિત ભારત યાત્રાના ભાગરૂપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ઉપાધ્યક્ષ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.
તદનુસાર મંત્રી કનુ દેસાઈ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં, મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ, મહેસાણા, ખેડા અને આણંદ જિલ્લાઓમાં, મંત્રી રાઘવજી રાજકોટ તથા જામનગરમાં, મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં, મંત્રી કુંવરજી બાવળીયા દેવભૂમિ દ્વારકા, રાજકોટ તથા અમદાવાદ જિલ્લામાં જુદા-જુદા સ્થળે આ યાત્રામાં જોડાશે.
મંત્રી મુળુ બેરા જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ, મંત્રી ડૉ. કુબેર ડિંડોર દાહોદ અને પંચમહાલમાં તથા મંત્રી ભાનુ બાબરીયા રાજકોટ જિલ્લા ખાતે સહભાગી થશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લામાં, રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત અને વડોદરા જિલ્લામાં, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં, રાજ્યમંત્રી બચુ ખાબડ દાહોદ જિલ્લામાં, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર અરવલ્લી જિલ્લામાં, રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સુરત અને તાપી જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી સહભાગી થશે.
આ ઉપરાંત મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અમરેલી જિલ્લામાં, નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી આણંદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલ ડાંગ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આ યાત્રા થકી સરકાર ગામડે જઈને, સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ મારફતે ગામે ગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી પહોંચાડી રહી છે. તેની સાથે આ યાત્રાના માધ્યમથી નાગરિકો પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થઈ રહ્યાં છે.
