પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી ગુજરાતમાં 60000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, એરમાર્શલ નર્મદેશ્વર તિવારી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ એસ. એસ. વિર્ક કલેકટર પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જીસીએમએમએફની સુવર્ણજયંતીની ઉજવણીમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1.25 લાખથી વધુ ખેડૂતો આવ્યા છે. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.
ગુજરાતમાં મહેસાણા અને નવસારી ખાતે બે જાહેર સમારોહમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રને સમર્પિત કરશે અને સમગ્ર ગુજરાતમાં રોડ, રેલ, ઊર્જા, આરોગ્ય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો, પ્રવાસન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આદિવાસી વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોને સમાવતા બહુવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
માહેસાણાના તરાભમાં જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી ભારત નેટ ફેઝ-2 - ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ સહિતનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે, જે 8000થી વધારે ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. માહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં રેલવે લાઇન ડબલિંગ, ગેજ કન્વર્ઝન, નવી બ્રોડગેજ લાઇન માટે વિવિધ પ્રોજેક્ટ; ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું મુખ્ય શૈક્ષણિક ભવન; બનાસકાંઠામાં પાણી પુરવઠાના અનેક પ્રોજેક્ટો વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આણંદ જિલ્લામાં નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સહિત કેટલીક મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. બનાસકાંઠામાં અંબાજી વિસ્તારમાં રિછડિયા મહાદેવ મંદિર અને તળાવનો વિકાસ; ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને માહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; એરફોર્સ સ્ટેશનનો રન-વે, ડીસા; અમદાવાદમાં હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી; ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)નું નવું બિલ્ડિંગ; ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં પાણી પુરવઠામાં સુધારો કરવા માટે વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે.
નવસારીમાં જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનાં વિવિધ પેકેજીસ સહિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. ભરૂચ, નવસારી, વલસાડમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠા યોજના; ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના, વગેરે. પ્રધાનમંત્રી નવસારીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કનાં નિર્માણ માટે કામગીરી શરૂ પણ કરશે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભરૂચ-દહેજ એક્સેસ કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવેનાં નિર્માણ સહિત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે. એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સ; વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલવે ગેજ કન્વર્ઝન માટેના પ્રોજેક્ટ્સ; ભરૂચ, નવસારી અને સુરતમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; વલસાડમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ, શાળા અને છાત્રાલયનું નિર્માણ તથા નર્મદા જિલ્લામાં અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી કાકરાપાર અણુ વિદ્યુત મથક (કેએપીએસ) યુનિટ 3 અને યુનિટ 4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) દ્વારા રૂ. 22,500 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત કેએપીએસ-3 અને કેએપીએસ-4 પ્રોજેક્ટ્સની કુલ ક્ષમતા 1400 (700*2) મેગાવોટની છે અને તે સૌથી મોટી સ્વદેશી પીએચડબલ્યુઆર છે.
તેઓ તેના પ્રકારના પ્રથમ રિએક્ટર્સ છે અને અદ્યતન સલામતી સુવિધાઓ સાથે વિશ્વના શ્રેષ્ઠ સાથે તુલનાત્મક છે. આ બંને રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા અનેક રાજ્યોના ગ્રાહકોને લાભ આપશે.
