બનાસ ડેરી દ્વારા જિલ્લાને પાણીદાર બનાવવા સીડ બોલ નામે નવતર પ્રયોગ હાથ ધરાયો
Live TV
-
પાણીની અછતનો સામનો કરી રહેલાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જિલ્લાને પાણીદાર બનાવવા સીડ બોલ નામે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લાં 2 વર્ષથી બનાસ ડેરી દ્વારા છાણમાંથી નાનકડા બોલ બનાવી તેમાં જુદી-જુદી જંગલ વનસ્પતિઓ સીડ પ્લાન્ટ કરી સીડ બોલ બનાવી જંગલ વિસ્તારોમાં મુકવામાં આવે છે. જેના લીધે જિલ્લાના જંગલ વિસ્તારો વૃક્ષોથી લીલાછમ બને અને વધુ વરસાદ થઈ શકે. ગતવર્ષે બનાસ ડેરીએ ચોમાસુ સીઝનમાં શરૂ કરેલા આ અભિયાનને આ વર્ષે વધુ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આ વર્ષે 20 લાખ જેટલા સીડ બોલ બનાવવાનું કાર્ય શરૂ કરાયું છે. 5 જૂન સુધી 20 લાખ સીડ બોલ બનાવી જિલ્લાના 7 પર્વતીય જંગલ વિસ્તારો જેવા કે અંબાજી ગબ્બર અંબાજી-દાંતા જંગલ વિસ્તાર બાલારામ વિરમપુર જંગલ વિસ્તાર, રાનીટૂંક પર્વત, મુનિપર્વત જેસોર અને કરમાવદ પાણીયારી પર્વતીય જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવશે. બનાસ ડેરીના આ અભિયાનમાં ગામે-ગામ લોકો સ્વયંભૂ જોડાયા છે અને ગોબરમાંથી સીડ બોલ બનાવી રહ્યા છે. એક અઠવાડિયામાં જિલ્લાના અલગ અલગ ગામનાં લોકોએ 8 લાખ 27 હજાર જેટલા સિડબોલ બનાવી દીધા છે.
