ભરૂચના ખેડૂતની કમાલ: ઇન્ડોનેશિયાથી લાવીને વિકસાવી ઓછી બીજવાળા 'બાલી' જામફળની અનોખી જાત
Live TV
-
ભરૂચના ખેડૂતની કમાલ: ઇન્ડોનેશિયાથી લાવીને વિકસાવી ઓછી બીજવાળા 'બાલી' જામફળની અનોખી જાત
ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને શાકભાજી, ફળ અને ફૂલોની ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે ભરાડીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે જામફળની એક અનોખી અને બારેમાસ ફળ આપતી જાત વિકસાવીને સફળતા મેળવી છે.
ટીશ્યુ કલ્ચરથી સફળ સંશોધન
ભરાડીયાના ખેડૂત જયેશભાઈ પટેલની આ અનોખી પહેલ છે. જયેશભાઈ બે વર્ષ અગાઉ ઇન્ડોનેશિયાના બાલી પ્રદેશમાંથી જામફળ લાવ્યા હતા. તેમણે પોતાની ટીશ્યુ કલ્ચર લેબમાં આ જામફળ પર 'પેરિંગ' પ્રક્રિયા કરીને એક એવી નવી જાત વિકસાવી છે, જેમાં અત્યંત ઓછા અને પોચા બીજ હોય છે. જયેશભાઈએ આ નવી જામફળની જાતને પેટન્ટ પણ કરાવી લીધી છે, અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બારેમાસ ફળ આપે છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
જયેશભાઈના જણાવ્યા અનુસાર, આ જામફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે: "આ જામફળના બીજમાં પેપટિન (Pectin) નામનું તત્વ હોય છે, જે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે."
આ ખાસિયતોને કારણે, આ 'બાલી' જામફળની માંગ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સતત વધી રહી છે. જયેશભાઈનું આ સંશોધન અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.
