ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
Live TV
-
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ‘Conducting Elections in India – The Largest Democracy in the World’ વિષય પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીને સફળતાપૂર્વક ધબકતી રાખતી વિશાળ અને પારદર્શક વ્યવસ્થા છે.જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આશરે 90 કરોડ મતદારો ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે, જેમાં આશરે 1.8 કરોડ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવે છે. મતદાર યાદીની તૈયારી, મતદાન અને મતગણતરી ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય તબક્કા છે.તેમણે EVM અંગે જણાવ્યું હતું કે તે ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કે બ્લૂટૂથ સાથે જોડાયેલું નથી. મતદાન પહેલાં ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મોક પોલ કરવામાં આવે છે. મતદાન બાદ ફોર્મ-17Cમાં મતોની નોંધ કરી EVMને સીલ કરવામાં આવે છે અને મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં ચકાસણી થાય છે.મુખ્ય ચૂંટણી કમિશનરે યુવાનો અને પાત્ર નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળે, AMAના પ્રતિનિધિઓ, ચૂંટણી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
