ભારે વરસાદ પછી સૌરાષ્ટ્રમાં ફાટી નીકળ્યો રોગચાળો
Live TV
-
તાવ અને ઝાડા ઉલ્ટીના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, હરકતમાં આવ્યું વહીવટી તંત્ર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેર અને જિલ્લામાં તાવ-ઝાડા ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીનાં હળવદમાં કોંગો ફિવરના શંકાસ્પદ 36 દર્દીઓ નોંધાતા 11 દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 22 દર્દીઓને મોરબી સિવિલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયા છે અને 3 દર્દીને અમદાવાદ ખસેડાયા છે.
કોંગો ફિવરનાં કહેરનાં કારણે રાજકોટ શહેર અને જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર પંકજ રાઠોડે જણાવ્યું હતું કે હળવદ ના ૧૧ શંકાસ્પદ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત સ્થિર જણાવાઈ રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીના બ્લડ સેમ્પલ લઇ પુના લેબોરેટરીમાં મોકલી આપી તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઢોરવાડો હોય અને સતત ઢોર સાથે રહેતા હોય તેવા લોકોનો સંપર્ક કરી તેમને ગ્લોવ્ઝ પહેરવા અને વારંવાર ધુમાડો કરવાની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપાની એનિમલ હોસ્ટેલમાં પણ હજારો ગાયોનો સમાવેશ કરાયો છે ત્યારે તે જગ્યાનું પણ ચેકીંગ કરવું ખુબજ અનિવાર્ય બન્યું છે.
