ભાવનગરઃ અકવાડા લેઈક ફ્રન્ટ નું વિભાવરીબેન દવે ના હસ્તે લોકાર્પણ
Live TV
-
ભાવનગર શહેરની સુંદરતામાં વધારો કરતુ વધુ એક સ્થળ આજે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખુલ્લું મુકાયું. રૂ.૧૧.૨૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ભાવનગરના અકવાડા ખાતેના અકવાડા લેઈક ફ્રન્ટનું લોકાર્પણ કરાયું.
સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ.૧૧.૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અકવાડા લેઈક ફ્રન્ટનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના પ્રારંભે તખ્તીનું અનાવરણ કરી તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, "મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલું આ તળાવ બારેમાસ પાણીથી ભરાયેલું રહે છે એ તેની વિશિષ્ટતા છે ત્યારે આવા રમણીય સ્થળનો વિકાસ થાય તે માટે અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને આજે અકવાડા લેક ફ્રન્ટના પહેલા ફેઝનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ". આ લેઈક ફ્રન્ટમાં આકર્ષક વેલકમ ગેઇટ, પાર્કિંગ, ગાર્ડન એરિયા તથા તળાવના પાળા પર સુંદર પાથ-વે, બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પાર્ક, જમ્પિંગ વોલ, ભૂલ ભુલામણી, મેરી-ગો રાઉન્ડ, કલાઈમ્બર, સ્લાઈડર, ઉચક-નીચક, હિંચકો, ટોય ટ્રેન, માઉન્ટ ટનલ, ટોય ટ્રેન સ્ટેશન, ખાણીપીણી માટે ફૂડ ઝોન, બતક શેઇપ રેસ્ટોરન્ટ, વોકિંગ ટ્રેક તથા વોટર રિટેઈનિંગ વોલ, ૧૦ સીટ આઉટ ગજેબો, ટીકીટ કાઉન્ટર, એડમીન ઓફિસ, સિક્યુરિટી ઓફિસ, પીવાના પાણીની સગવડ અને ટોઈલેટ બ્લોકસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગરથી ઘોઘા-દહેજ તેમજ ઘોઘા- હજીરા રો-રો ફેરી સુધી જવાના માર્ગ પર આવતું આ સ્થળ અનેક રીતે મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં તખતેશ્વર, બોરતળાવ વગેરેની જેમ આ સ્થળ પણ ભાવનગરની એક આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થશે. વિકાસના કોઈપણ કામો નાણાંના અભાવે અટકી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ યોજના અમલમાં લાવી અને યોગ્ય નાણાંકિય જોગવાઈઓ કરી છે તેમ જણાવી ભાવનગરને ટાઉનહોલ, આધુનિક આરોગ્ય કેન્દ્રો, ગંગાજળીયા તળાવનું બ્યુટીફીકેશન, ફલાય ઓવર, કંસારા નાળા પ્રોજેકટ, સિક્સ લેઇન રોડ સહિતના લોકોપયોગી પ્રકલ્પો મળ્યા તે અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તાજેતરમાં રૂ.૨૫૬ કરોડના વિકાસલક્ષી કામો મંજુર કરી પોતાની ફરજો સુપેરે નિભાવવા બદલ મંત્રીએ આ તકે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ નવનિર્મિત લેક ફ્રન્ટની પોતાના ઘરની જેમ જ જાળવણી કરવા લોકોને અપીલ કરી હતી.આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તથા કમિશનર એમ.એ.ગાંધી પણ હાજર રહ્યા હતા.
