ભિક્ષા નહીં શિક્ષા: સિગ્નલ સ્કૂલ શરુ કરી અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડે કર્યો એક નવતર પ્રયોગ
Live TV
-
ગુજરાત સરકાર પ્રેરિત, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના જુદા જુદા સિગ્નલો પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપવાના હેતુસર હાથ ધરવામાં આવેલ “ભિક્ષા નહીં શિક્ષા અભિયાન” અંતર્ગત આજરોજ ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સિગ્નલ સ્કૂલનો લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઊભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના આ પ્રયાસમાં 10 બસો અને પ્રત્યેક બસમાં 2 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ લોકેશનો પર બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
જેમાં કાંકરિયા ગેટ નં. 7ની સામેના ચાર રસ્તા, ગેલેક્સી ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, ગણેશનગર ચાર રસ્તા, રાણીપુર ચાર રસ્તા, નારોલ સર્કલ, ઈસનપુર ચાર રસ્તા, સી.ટી.એમ. ચાર રસ્તા, હાટકેશ્વર ચાર રસ્તા, વાસણા ભઠ્ઠા ચાર રસ્તા, સરસપુર સર્કલ, ચામુંડા બ્રીજ સર્કલ, વિરાટનગર ચાર રસ્તા, કાળીદાસ મિલ ચાર રસ્તા, ન્યુ કોટનમિલ ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, અંધજન મંડળ ચાર રસ્તા વગેરે સ્થળો પર બાળકોને બસમાં શિક્ષણ આપવામાં આવશે.
આ બાળકોને 9.30 થી 10.00 કલાક દરમિયાન એકત્રિત કરવામાં આવશે. 10.00 થી 1.00 કલાક દરમિયાન શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. 1.30 કલાકે પોકેટ એરીઆમાં લઇ જવામાં આવશે. આ બાળકોને દર મહીને વાલી મિટીંગ, દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત-ગમત હરીફાઈ, જોવા લાયક સ્થળની મુલાકાત, સ્કીલ ડેવલોપમેન્ટની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. જેમાં ભાગ લેનાર તમામ બાળકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબરે આવતા વિજેતા બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બાળકોને 6 માર્ચ 2022 થી 30 એપ્રિલ 2022 સુધી સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકારના માન્ય અભ્યાસક્રમ પ્રમાણે બાળકોને આનંદમય તથા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉનાળુ વેકેશન બાદ 6 જૂન 2022 થી વિધિવત રીતે આ સિગ્ન્લ સ્કૂલનો શુભારંભ કરવામાં આવશે, જેમાં દસ મહિનાના બ્રીજ કોર્સ પછી બાળકોને નજીકની શાળામાં મેઇનસ્ટ્રીમ કરવામાં આવશે. ત્યાં બાળકોને રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાદીપ, સ્કોલરશીપ, ગણવેશ સહાય, મફત પાઠ્યપુસ્તક, મધ્યાહન ભોજન, આધાર ડાયસ આઈડી વગેરે લાભ મળે તેનો પ્રયાસ પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, આપણા સમાજમાં સંજોગોવસાત બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતાં હોય છે. આવા બાળકોને “ભિક્ષા નહીં શિક્ષા” આપવાના આ નવતર પ્રયોગ સમાજમાં સારો સંદેશો આપશે અને દરેક બાળક શિક્ષાથી વંચિત ન રહે તે આપણી સૌની સહીયારી જવાબદારી છે.
