મહીસાગર: ગ્રામીણ અર્થતંત્ર વેગવંતુ કરવા બે ગાય લોન યોજનાનો પ્રારંભ
Live TV
-
પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ સાથે, મહીસાગર જિલ્લામાં પશુપાલન થકી આર્થિક પ્રગતિની દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવતા પશુપાલકો માટે સહિયારા પ્રયાસોથી બે ગાયની લોન આપવાની યોજનાનો નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્ક ઓફ બરોડા અને દૂધમંડળી સાથેનો એમઓયુ કરીને પશુપાલકોને બે ગાય માટે લોન આપી નવતર આત્મનિર્ભર પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે. પ્રારંભિક તબક્કામાં વિરપુર તાલુકાની ત્રણ દૂધ મંડળીઓ હાંડીયા, વરધરા તેમજ સારીયા દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજુરી આપવામાં આવી છે. આગામી સમયમાં તાલુકાની અન્ય દૂધમંડળીઓમાં 5000થી વધુ પશુપાલકોને આ નવતર પ્રોજેકટનો લાભ આપવાનો લક્ષ્યાંક છે.
આ પ્રોજેકટ અંતર્ગત વિરપુર ડીવાઇન સ્કૂલ ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા આયોજિત કિસાન કેમ્પમાં મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, રિજનલ મેનેજર વીણાબેન શાહ , જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ સહિત બેંકના અધિકારીઓના હસ્તે પશુપાલકોને લોનમંજૂરી પત્ર આપવામાં આવ્યા.આ કિસાન કેમ્પમાં ગોધરા રિજનલ આદિત્ય કનોજીયા, યુવા અગ્રણી જ્યેન્દ્ર બારોટ, અમુલ ડિરેકટર સાયબેસિંહ, અગ્રણી એસ.બી.ખાંટ, લીડ બેંક મેનેજર પટેલ સહિત બેંકના અધિકારીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા. પશુ વેપારીઓની મુલાકાત કરવામાં આવી અને લોન મંજૂરીથી ખુશ પશુપાલકોએ પશુખરીદી કરી ગાયનું વિધિવત પૂજન પણ કર્યું હતું.
