માતા-પિતા ગુમાવનાર કાવ્યાને આખરે મળ્યો પરિવાર, સરકારે લીધી જવાબદારી
Live TV
-
થોડા દિવસો પહેલા ભરૂચની સિવિલમાં મૃતદેહ પાસે બેસેલી ત્રણ વર્ષની બાળકીનો એક વીડિયો વાયરલ થયો હતો. માતાને કાલીઘેલી ભાષામાં જગાડતી એક બાળકીએ ભલભલા કઠણ હદયના વ્યક્તિના દિલ પીગળાવી દીધા હતાં.
પહેલા પિતા અને પછી માતાની છત્રછાયા ગુમાવનારી ત્રણ વર્ષની કાવ્યાને અંતે પરિવાર મળ્યો. નિરાધાર કાવ્યાની વ્હારે રાજ્ય સરકાર આવી અને તેના જીવતરનો તમામ ભાર ઉંચકી લીધો. ભૂખ, ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવન પસાર કરી આ પ્રિન્સી અંતે બની ગઈ ધ પ્રિન્સેસ.
ત્રણ વર્ષની બાળકીને ખબર ન હતી કે હવે તેની મા નથી રહી. માતા-પિતા બંનેની છત્ર છાયા ગુમાવનાર આ બાળકીને અંતે આધાર મળ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને ધ્યાને લઈ ભરૂચ કલેક્ટરને સૂચના આપી બાળકીની જવાબદારી લેવાની. પરંતુ અંતે તેના જ મોટા પપ્પાએ સંપૂર્ણ જવાબદારી લેવાની બાંહેધરી આપી. આજે આ ત્રણ વર્ષની કાવ્યાને એક છત જ નહીં પરિવાર પણ મળી ગયો છે.
કાવ્યાનો આ હદયદ્રાવક વીડિયો જોઈ અનેક લોકોએ તેને દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી. પણ અંતે તેને ઘર મળતાં ખુશ પણ થયા છે. મુખ્યમંત્રીની સૂચના બાદ કલેક્ટરે સમાજ સુરક્ષા અધિકારીને બાળકીની શક્ય તમામ મદદ કરવાનો આદેશ કર્યો. વહીવટી તંત્રએ પણ ઉત્સુકતા દર્શાવી તેનું આધારકાર્ડ અને બેંક ખાતું ખોલાવીને સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરી છે.
પાલક માતાપિતા યોજના અંતર્ગત બાળકીને ઉછેર અને શૈક્ષણિક વિકાસ માટે કાવ્યાના કાકાને પ્રતિમાસ રૂ/ 3000 લેખે 18 વર્ષ સુધી સહાય આપવામાં આવશે અને આ સહાય કાવ્યાનો આગળનો ભણવાનો ખર્ચ અને ઘડતર માટે ઘણી જ મદદ પૂરી પાડશે. અત્યારે તો તમામને એક જ વાતનો હાશકારો છે કે કાવ્યાને આખરે ઘર મળી ગયું.
