Skip to main content
Settings Settings for Dark

માનવસેવા માટે નિસ્વાર્થ ભાવે સેવારત 14 મહાનુભાવોનું ધરતી રત્ન એવોર્ડથી સન્માન

Live TV

X
  • રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રસિદ્ધિની પરવા કર્યા વિના, માનવસેવા માટે કાર્યરત ૧૪ મહાનુભાવોનું ધરતી રત્ન એવોર્ડથી સન્માન કર્યું હતું. આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં 47 વર્ષોથી સેવારત આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અપાતા આ એવોર્ડના અર્પણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સ્વાર્થ વિના સમાજ સેવા કરતા લોકોનું સન્માન કરવું એ સમાજનું કર્તવ્ય છે. આવું સન્માન અન્ય લોકોને સેવા કરવાની પ્રેરણા આપે છે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, અન્નનો એક દાણો ધરતીમાં ભળી જઈને અનેક દાણા ઉત્પન્ન કરે છે, એમ માનવસેવા માટે સમર્પિત વ્યક્તિઓ સુંદર સમાજનું નિર્માણ કરે છે. જે સમાજમાં પરસ્પર સહ્રદયતા અને અપનાપન હોય ત્યાં સુખ અને આનંદની અનુભૂતિ થાય છે. ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત મહાનુભાવોને તેમના કાર્યો માટે અભિનંદન પાઠવતાં તેમણે આવા સેવા કાર્યોને જ સાચી માનવતા ગણાવ્યા હતા. અન્યનું દુઃખ પોતાના હૃદયમાં અનુભવી શકે, અન્યના આંસુ પોતાની આંખેથી વહાવી શકે અને પરોપકાર માટે જીવે તે જ જીવનનું સાર્થક્ય છે.

    સમાજના કલ્યાણ માટે થયેલા સત્કર્મોથી જ લોકોના દિલમાં અને માનસમાં સ્થાન મળે છે. એમ કહીને રાજ્યપાલએ કહ્યું કે, શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાત્મા ગાંધીજી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ આજે પણ અમર છે, તે તેમના કર્મોને આભારી છે. સત્કર્મથી મોટી કોઈ મૂડી નથી. ધરતીમાં જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. સદ્કાર્યનું ફળ સુખ-શાંતિ છે અને ખરાબ કર્મોનું ફળ પીડા અને પરેશાની છે. તેમણે આશીર્વાદ ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થા માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓને પણ અભિનંદન આપ્યા હતા.

    અમદાવાદના શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ નાગરિકોને પોતાના 'ફેમિલી ડોક્ટર' હોય છે એમ હવે એક 'ફેમિલી ફાર્મર' રાખવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે આપણા રોજબરોજના જીવનમાં અનાજ, શાકભાજી, ફળ, દૂધ વગેરેમાં ધીમું ઝેર આરોગી રહ્યા છીએ. પેસ્ટીસાઈડ્સ અને રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગથી આપણું અન્ન દૂષિત થઈ ગયું છે, જેના કારણે અનેક જીવલેણ રોગો સામે આપણે જજુમી રહ્યા છીએ.

    આપણું અન્ન આરોગ્યપ્રદ અને પ્રદૂષણમુક્ત હોય એ અનિવાર્ય છે. માટે રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ્સના ઉપયોગ વિના, માત્ર દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી થતી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થતા અનાજ, ફળો અને શાકભાજી ખાવાનો આગ્રહ રાખો. આ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પ્રોત્સાહન આપો. તેમણે કહ્યું કે ગુજરાતમાં પોણા નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. આગામી બે વર્ષમાં ગુજરાતને સંપૂર્ણ ઝેરમુક્તખેતી કરતો પ્રદેશ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર પ્રમાણિકતાપૂર્વક પ્રાકૃતિક ખેતીનું મહા અભિયાન ચલાવી રહી છે.

    આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર.એસ. પટેલે પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, જેમ પુષ્પો કોઈને પ્રભાવિત કરવા ખીલતા નથી કે પોતાની ખુશ્બુ પ્રસરાવતા નથી, તેવી જ એવી જ નિસ્વાર્થ ભાવનાથી ગુજરાતના ખૂણે-ખૂણે માનવસેવા કરી રહેલા મહાનુભાવોને આશીર્વાદ ફાઉન્ડેશન ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરે છે. તેમણે સંસ્થાકીય પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ આપ્યો હતો.

    આ કાર્યક્રમમાં ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મોન્ટે કાર્લો લિમિટેડના અધ્યક્ષ કનુ પટેલ, સત્ય સાંઈબાબા હોસ્પિટલના ટ્રસ્ટી કંચન ઝવેરી, આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. કે. એમ. પટેલ, કવિ માધવ રામાનુજ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply