મુખ્યમંત્રીએ પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ માટે કરી બેઠક
Live TV
-
મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઈ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ - નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો
મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઈ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ - નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ, પોરબંદર, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ હોવા સાથે, પ્રવાસન પ્રવૃત્તિનું પણ મહત્વનું કેન્દ્ર છે તે સંદર્ભમાં, આ એરપોર્ટના હાલ ના રન-વે ને, 2600 મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ, ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને નૌ-સેના જેવી એજન્સીઓ પણ કાર્યરત છે ત્યારે , ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઈ શકે તે માટે પણ, આ રન-વે એક્સપાન્શન જરૂરી છે. એટલું જ નહિ, પોરબંદરથી હાલ અમદાવાદ- મુંબઈ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ, વધુ વહન ક્ષમતા વાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઈસેવાનો લાભ મળે તે હેતુથી, પ્રવર્તમાન રન-વે ની 1,372 મીટરની જે લંબાઈ છે તે વધારવી જોઈએ. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાની પણ વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં, રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જરૂરી જમીન ફાળવણી માટે, જિલ્લા તંત્ર સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
