મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 29 ઓક્ટોબરે IITEનો પાંચમો પદવીદાન સમારોહ યોજાશે
Live TV
-
રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 29 ઓક્ટોબરે લાભપાંચમે ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના પ્રાંગણમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવ્યું છે. દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને બાળસંભાળ ,શિશુશિક્ષણ અને શાળાશિક્ષણ ક્ષેત્રે કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના રાજ્યપાલઅને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ પદવીદાન સમારોહમાં,મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ,અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજયમંત્રી કુબેરભાઈ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત બંને યુનિવર્સિટીઓના સંયુક્ત પદવીદાન સમારોહમાં આઈઆઈટીઈના સ્નાતક,અનુસ્નાતક અભ્યાસક્રમોના 2534 ઉત્તીર્ણ વિધાર્થીઓને અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અનુસ્નાતક , અનુસ્નાતક ડિપ્લોમા, પીએચ.ડી સહિત 112 વિધાર્થીઓને એમ કુલ 2666 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ ,આમંત્રિતો, બંને યુનિવર્સિટીના વિવિધ વૈધાનિક મંડળોના સભ્ય, દાતાઓ, અધ્યાપક,આચાર્ય ઉપસ્થિત રહેશે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ સર્વે સ્નાતક, અનુસ્નાતક અને પીએચ. ડી પદવીધારકો તેમજ આમંત્રિતોનું અભિવાદન કરશે.
